રાજકોટ શહેરમાં મચ્છરના ભયંકર ઉપદ્રવ વચ્ચે નોરતાના પ્રારંભે જ રોગચાળો વકર્યો છે. આજે જાહેર થયેલા મ્યુનિ.વિકલી એપેડેમિક રિપોર્ટ અનુસાર શહેરમાં મેલેરિયાનો એક, ડેન્ગ્યુના બે, શરદી-ઉધરસના ૯૭૨ અને તાવના ૯૧૫ તેમજ ઝાડા ઉલ્ટીના ૧૮૪ સહિત કુલ ૨૦૭૪ કેસ નોંધાયા છે.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે, ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ , વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરેમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરી રહેણાંક સંકુલોમાં ૨૭૨ અને કોર્મશીયલ સંકુલોમાં ૪૮ મળી કુલ ૩૨૦ સ્થળે મચ્છરનો ઉપદ્રવ જોવા મળતા નોટિસ ફટકારવામાં આવી હતી.