ભાવનગર પંથકમાં સર્જાયેલા નકકી ગોઝારા લઠ્ઠાકાંડમાં અગાઉ 13 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાથી લોકોમાં ડર પ્રસરી ગયો છે કે નકલી દારૂ પીવાથી ભાવનગરવાળી ન થાય. આથી લોકો હવે અસલી દારૂ તરફ વળ્યા છે. ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં નિયંત્રિત વાઇન એન્ડ ડાઇન સુવિધાઓ હેઠળ વિદેશી દારૂના વેચાણમાં છેલ્લા એક વર્ષ દરમિયાન જબરદસ્ત 15 ગણો ઉછાળો નોંધાયો હોવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. ગુજરાત સરકારના આંકડા મુજબ, ગિફ્ટ સિટીમાં બે વર્ષ દરમિયાન કુલ 60,354.47 લિટર વિદેશી દારૂનું વેચાણ થયું છે, જેના થકી રાજ્યને રૂ. 87.39 લાખની આવક થઈ છે.
વિધાનસભામાં ગઈકાલે રજૂ કરાયેલા લેખિત જવાબમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ માહિતી આપી હતી. જામાલપુર-ખાડિયા બેઠકના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ગિફ્ટ સિટીના વિશેષ ઝોનમાં દારૂના વેચાણ અંગે વિગતો માંગી હતી.
આંકડા મુજબ, પહેલી ઓગસ્ટ 2024થી 31 જુલાઈ 2025 દરમિયાન ગિફ્ટ સિટીમાં માત્ર 3,716 લિટર વિદેશી દારૂનું વેચાણ થયું હતું. જોકે, ત્યારબાદના 12 મહિનામાં એટલે કે પહેલી ઓગસ્ટ 2025થી 31 જુલાઈ 2026 દરમિયાન વેચાણ વધીને 56,638 લિટર થયું હતું. આમ, એક જ વર્ષમાં વેચાણમાં આશરે 15 ગણો વધારો નોંધાયો છે.
ગિફ્ટ સિટીને ગુજરાતની દારૂબંધીની નીતિમાં પ્રથમ મર્યાદિત છૂટ ડિસેમ્બર 2023માં આપવામાં આવી હતી. અધિકૃત પરિસરમાં નિયંત્રિત રીતે દારૂના સેવનની મંજૂરી આપ્યા બાદ સરકારે ધીમે-ધીમે નિયમોમાં વધુ છૂટછાટ આપી છે.
ડિસેમ્બર 2025માં વિદેશી નાગરિકો અને ગુજરાત બહારથી આવતા મુલાકાતીઓ માટે કામચલાઉ પરમિટની જરૂરિયાત દૂર કરવામાં આવી હતી. માન્ય સરકારી ફોટો ઓળખપત્ર ધરાવતા આવા લોકો અધિકૃત હોટલ, ક્લબ અને રેસ્ટોરાંમાં દારૂનું સેવન કરી શકે છે.
આ ઉપરાંત, ગિફ્ટ સિટીમાં મંજૂર દારૂના વેચાણ પર વેટ 65 ટકાથી ઘટાડીને 25 ટકા કરવામાં આવ્યો છે અને વિશેષ ફી પણ દૂર કરવામાં આવી છે. ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોના મતે, આ પગલાં ગિફ્ટ સિટીને આંતરરાષ્ટ્રીય નાણાકીય અને ટેકનોલોજી હબ તરીકે વિકસાવવાની દિશામાં મહત્વપૂર્ણ છે.
હોસ્પિટાલિટી અને ઇવેન્ટ ઉદ્યોગનું કહેવું છે કે મોટી કોન્ફરન્સ, બિઝનેસ સમિટ અને કોર્પોરેટ કાર્યક્રમોની વધતી સંખ્યાથી ગિફ્ટ સિટીમાં મુલાકાતીઓની અવરજવર વધી રહી છે. વધતી કોર્પોરેટ હાજરી, નિયમોમાં સ્પષ્ટતા અને દારૂની નીતિમાં છૂટછાટ. આ તમામ પરિબળો મળીને વાઇન એન્ડ ડાઇન વ્યવસાયમાં તેજી લાવી રહ્યા હોવાનું માનવામાં આવે છે.