BREAKING NEWS

ગાંધી જન્મભૂમિ પોરબંદરમાં પણ આવતીકાલથી લીકરશોપ ખુલશે

  • March 31, 2026 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત મોડેલ અને દારૂબંધીને લઈને હંમેશા ચર્ચામાં રહેતી રાજ્ય સરકાર હવે ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં લીકર શોપને મંજૂરી આપવા જઈ રહી હોવાના અહેવાલોએ જોર પકડ્યું છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણની છૂટ આપ્યા બાદ હવે પોરબંદરમાં પણ પરમિટધારકો માટે દારૂની સુવિધા સ્થાનિક સ્તરે ઉપલબ્ધ કરાવવાની તૈયારીઓ પૂર્ણ થઈ હોવાનું મનાય છે.


મળતી માહિતી મુજબ, પોરબંદરમાં વસતા પરમિટધારકોએ અત્યાર સુધી દારૂ મેળવવા માટે અન્ય શહેરો પર નિર્ભર રહેવું પડતું હતું. જોકે, હવે તંત્ર દ્વારા એક સ્થાનિક હોટલને લીકર શોપ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. જો છેલ્લી ઘડીએ કોઈ મોટો ફેરફાર નહીં થાય, તો આગામી 1લી એપ્રિલ એટલે કે નવા નાણાકીય વર્ષથી પોરબંદરમાં વિધિવત રીતે પરમિટવાળો દારૂ મળવાનું શરૂ થઈ જશે.

આ સમગ્ર મામલે જે હોટલને મંજૂરી મળી છે, તેના સંચાલન સાથે ભાજપના એક વગદાર અગ્રણી જોડાયેલા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અત્યંત ગુપ્તતા સાથે આ મંજૂરીની પ્રક્રિયા પૂરી કરવામાં આવી છે. જોકે, હોટલ માલિક દ્વારા અત્યારે આ બાબતે મૌન સેવવામાં આવ્યું છે અથવા મંજૂરી મળી હોવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ આંતરિક સૂત્રો મુજબ ઉદ્ઘાટનની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.


અગાઉ પણ વિરોધ થયો છે

મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ તરીકે પોરબંદરની એક ગરિમા છે, જેને કારણે અહીં અત્યાર સુધી લીકર શોપ ખોલવાની ક્યારેય મંજૂરી આપવામાં આવી નહોતી. અગાઉ પણ અનેક વખત ખાનગી હોટલો દ્વારા આવી માગણીઓ ઉઠી હતી, પરંતુ સ્થાનિક સ્તરે થતા ભારે વિરોધને કારણે સરકારે પીછેહઠ કરવી પડી હતી. હવે જ્યારે સીધી રીતે ભાજપ શાસનમાં જ આ નિર્ણય લેવાઈ રહ્યો છે, ત્યારે સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે ગાંધીભૂમિમાં દારૂના મુદ્દે અનેક સવાલો ઉઠી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application