BREAKING NEWS

RBIએ રેપો રેટમાં 0.25 પોઈન્ટનો વધારો કર્યોઃ બધી લોન મોંઘી થતા મધ્યમ વર્ગ મોંઘવારીના ચક્રવ્યૂહમાં ફસાયો, જાણો વધુ વિગત

  • October 07, 2026 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટીની ત્રણ દિવસીય બેઠકના અંતે રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વધારા સાથે રેપો રેટ 5.25 ટકાથી વધીને 5.50 ટકા થયો છે. આશરે સાડા ત્રણ વર્ષ બાદ આરબીઆઈ દ્વારા રેપો રેટમાં પ્રથમ વખત વધારો કરવામાં આવ્યો છે.


આરબીઆઈના આ નિર્ણયની સીધી અસર લોન લેનારા ગ્રાહકો પર થઈ શકે છે. ખાસ કરીને હોમ લોનના વ્યાજદરમાં વધારો થવાની શક્યતા હોવાથી આગામી સમયમાં ઈએમઆઈમાં પણ વધારો થઈ શકે છે. બીજી તરફ બેન્કો દ્વારા ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદરમાં વધારો કરવામાં આવે તો બચત કરનારાઓને તેનો લાભ મળી શકે છે.


રેપો રેટ વધારવા પાછળ ઊંચો ફુગાવો, રૂપિયાની નબળાઈ, વૈશ્વિક બોન્ડ યીલ્ડમાં વધારો અને ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી થયેલો ઉછાળો જેવા પરિબળો મહત્વના માનવામાં આવે છે. હાલમાં દેશમાં ફુગાવો પાંચ ટકાની આસપાસ છે અને તેમાં વધુ વધારો થવાની ચિંતા વચ્ચે આરબીઆઈએ વ્યાજદર અંગે સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે.


આ અગાઉ સતત ત્રણ મોનિટરી પોલિસી બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. નવી બેઠકમાં દર વધારવા છતાં એમપીસીએ પોતાનું નીતિ વલણ ન્યુટ્રલ રાખ્યું છે. એટલે કે આગામી સમયમાં ફુગાવા અને આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વ્યાજદરમાં વધુ ફેરફાર કરવાની શક્યતા ખુલ્લી રાખવામાં આવી છે.


ક્રૂડ ઓઈલના ભાવમાં પણ ફરી વધારો નોંધાયો છે અને તે બેરલ દીઠ 100 ડોલરની નજીક પહોંચ્યા છે. ક્રૂડ મોંઘું થવાથી આયાત ખર્ચ અને પરિવહન ખર્ચમાં વધારો થઈ શકે છે, જેની અસર મોંઘવારી પર પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે આરબીઆઈએ ફેબ્રુઆરી 2023માં રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરીને તેને 6.50 ટકા કર્યો હતો. ત્યાર બાદ રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. હવે ફરી 0.25 ટકાના વધારા સાથે રેપો રેટ 5.50 ટકા થયો છે. આરબીઆઈનો આ નિર્ણય આગામી દિવસોમાં લોનના વ્યાજદર અને FDના રિટર્ન માટે મહત્વપૂર્ણ બની શકે છે.


નજીકના ભવિષ્યમાં વ્યાજદરમાં ઘટાડાની કોઈ શક્યતા નથી: આરબીઆઈ ગવર્નર

આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે, બાહ્ય પડકારો અને વધતી જતી મોંઘવારીના જોખમોને ધ્યાનમાં લેતા, નજીકના ભવિષ્યમાં વ્યાજદરમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી. તેમણે નોંધ્યું હતું કે, સમગ્ર અર્થતંત્રની સ્થિતિ (મેક્રો-ઇકોનોમિક પરિસ્થિતિ) કેવી રીતે આગળ વધે છે તેના આધારે વ્યાજદર નક્કી કરતી સમિતિ કાં તો વર્તમાન સ્થિતિ જાળવી રાખશે અથવા વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લેશે.


ફિક્સ્ડ ડિપોઝિટ માટેના ફાયદાકારક

રેપો રેટમાં વધારો તમારા માસિક ઈએમઆઈનો ખર્ચ વધારે છે, પરંતુ તેના કેટલાક ફાયદા પણ છે. ખાસ કરીને, બેંકોમાં ફિક્સ્ડ ડિપોઝિટ ધરાવતા ગ્રાહકોને તેનો લાભ મળે છે. થાપણદારોને તેમની બચત પર અગાઉના સ્તરની સરખામણીમાં વધુ વ્યાજ દર મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application