રાજકોટવાસીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે સાતમ-આઠમનો લોકમેળો હવે ગણતરીના કલાકોમાં શરૂ થવા જઈ રહ્યો છે. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા ‘વિરાસતથી વિકાસ’ લોકમેળાનો આવતીકાલે, ૨ સપ્ટેમ્બરના રોજ સાંજે ૪:૩૦ કલાકે રાજ્યના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીના હસ્તે ભવ્ય પ્રારંભ થશે. તા. ૨ સપ્ટેમ્બરથી ૬ સપ્ટેમ્બર સુધી પાંચ દિવસ લોકમેળામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે.લોકમેળાને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તંત્રની તૈયારીઓ કેટલી સજ્જ છે તેની ચકાસણી માટે સફળતાપૂર્વક મોકડ્રીલ યોજવામાં આવી હતી. આ દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ સંકલન સાથે ઈમરજન્સી પરિસ્થિતિમાં બચાવ કામગીરી, લોકોની સલામત હેરફેર અને તાત્કાલિક પ્રતિસાદની કામગીરીનું પ્રદર્શન કર્યું હતું. મેળામાં રાઇડ્સ, ખાણીપીણીના સ્ટોલ, રમકડાં સહિતના વિવિધ સ્ટોલ તૈયાર થઈ ગયા છે, જ્યારે લોકોની સુરક્ષા અને સુવિધાને પ્રાથમિકતા આપીને વહીવટી તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા, આરોગ્ય, વીજળી, પાણી તેમજ ઈમરજન્સી સેવાઓ માટેની ટીમોને પણ સજ્જ રાખવામાં આવી છે. લોકમેળામાં દરરોજ મોટી સંખ્યામાં લોકો પહોંચવાના હોવાથી ટ્રાફિક વ્યવસ્થા પણ પડકારરૂપ બની શકે છે. તેને ધ્યાનમાં રાખીને શહેરમાં કુલ ૧૪ સ્થળોએ વાહનો માટે નિઃશુલ્ક પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં કિસાનપરા ચોક, નહેરુ ઉધ્યાન, બાલભવન મેઈન ગેટ, ચૌધરી હાઇસ્કુલ ગ્રાઉન્ડ, નવી કલેકટર કચેરી ગ્રાઉન્ડ, નગર રચના અધિકારીની કચેરી, આઈકર વાટિકા પાછળનું ગ્રાઉન્ડ, ગુજરાત સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક, એસબીઆઇ બેન્ક સામે, સર્કિટ હાઉસ સામે, આકાશવાણીની દિવાલ, હોમગાર્ડ ઓફિસર કોલોની, ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડ વગેરેનો સમાવેશ થાય છે.