ચા પીવા જવાનું કહીને નીકળ્યા ને મોત ભેટ્યુંઃ રાજકોટમાં રિક્ષાએ એક્ટીવાને ઠોકરે લેતા બે મિત્રોના મોત
ચા પીવા જવાનું કહીને નીકળ્યા ને મોત ભેટ્યુંઃ રાજકોટમાં રિક્ષાએ એક્ટીવાને ઠોકરે લેતા બે મિત્રોના મોત
September 01, 2026 11:10 AM
રાજકોટ શહેરના મોરબી રોડ પર વેલનાથપરા નજીક સ્કૂટર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવાર બે મિત્રોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. બંને મિત્રો રામનાથ મંદિરે દર્શન કરી ચા પીવા જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. બંને યુવકના મોતથી પરિવારમાં ઘેરી કલ્પાંત સર્જાયો છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરબી રોડ પર વેલનાથપરા શેરી નં-18માં રહેતા દશરથ રાજુભાઈ બજાણીયા (ઉ.વ.18) અને બાજુમાં રહેતો ચંદ્રેશ ધર્મેશભાઈ નીમાવત (ઉ.વ.23) બંને રાત્રીના અગ્યારેક વાગ્યે એક્ટિવા લઈને રામનાથ મહાદેવ મંદિરે દર્શન જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ જૂની બેડીપરા ચોકી પાસે પહોંચતા એક્ટીવાને સીએનજી રીક્ષાએ અડફેટે લેતા બંને રોડ પર ફંગોળાઈ જતા ગંભીર ઈજાઓ થઇ હતી અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકઠા થયા હતા અને કોઈએ 108ને જાણ કરતા બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે બંનેને જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ અનમે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.