BREAKING NEWS

ઉધારીના ચક્કરમાં નહીં રોકાય MSME ઉદ્યોગો, ઇન્વોઇસ ડિસ્કાઉન્ટિંગ બન્યું આશીર્વાદ સમાન

  • August 24, 2026 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નાના અને મધ્યમ ઉદ્યોગો તેમજ વેપારીઓ માટે ગ્રાહકો પાસેથી સમયસર નાણાં ન મળવા એ એક મોટી સમસ્યા હોય છે. અવારનવાર વેચાણ કર્યા પછી પણ પેમેન્ટ મળવામાં ૩૦ થી ૯૦ દિવસ સુધીનો વિલંબ થઈ જાય છે, જેના કારણે વેપારીઓને વર્કિંગ કેપિટલ (કાર્યકારી મૂડી)ની અછતનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં 'ઇન્વોઇસ ડિસ્કાઉન્ટિંગ' બિઝનેસ માટે એક ઉત્તમ અને રાહતરૂપ ઉકેલ સાબિત થઈ રહ્યું છે. આ એક એવી નાણાકીય વ્યવસ્થા છે, જેના દ્વારા ગ્રાહક તરફથી ચૂકવણી મળે તે પહેલાં જ કંપનીઓ પોતાના બાકી બિલ (ઇન્વોઇસ)ના બદલે નાણાકીય સંસ્થાઓ પાસેથી રોકડ ભંડોળ મેળવી શકે છે.

ઇન્વોઇસ ડિસ્કાઉન્ટિંગની પ્રક્રિયા ખૂબ સરળ છે. જ્યારે કોઈ વેપારી ગ્રાહકને સામાન કે સેવા આપ્યા પછી બિલ જારી કરે છે અને ગ્રાહક પેમેન્ટ માટે ૩૦, ૬૦ કે ૯૦ દિવસનો સમય માંગે છે, ત્યારે વેપારી તે બિલને બેંક અથવા નાણાકીય સંસ્થા (લેન્ડર) પાસે વટાવી શકે છે. બેંક કે નાણાકીય સંસ્થા બિલની કુલ રકમના આશરે ૮૦ થી ૯૦ ટકા રકમ વેપારીને તરત જ ચૂકવી દે છે. ઉદાહરણ તરીકે, એક લાખ રૂપિયાના બિલ પર રૂ.૮૦,૦૦૦ થી રૂ.૯૦,૦૦૦ તરત મળી જાય છે. બાદમાં ગ્રાહક પાસેથી પેમેન્ટ મળતાં વેપારી નિર્ધારિત વ્યાજ અને ફી સાથે લેન્ડરને પૈસા પરત કરી દે છે.

બજારમાં મુખ્યત્વે ચાર રીતે ઇન્વોઇસ ડિસ્કાઉન્ટિંગ કરી શકાય છે. જેમાં કોન્ફિડેન્શિયલ કે જેમાં ગ્રાહકને જાણ કરવામાં આવતી નથી કે બિલના બદલે ફંડ લેવાયું છે, ડિસ્ક્લોઝ્ડ કે જેમાં ગ્રાહકને સ્પષ્ટ ખબર હોય છે કે ઇન્વોઇસના આધારે ફંડ મેળવવામાં આવ્યું છે, હોલ ટર્નઓવર કે જેમાં કંપની પોતાના સમગ્ર સેલ્સ લેજર અથવા મોટા પ્રમાણમાં બિલોના આધારે ફંડ ઊભું કરે છે અને સિલેક્ટિવ કે જેમાં કંપની પોતાના તમામ બિલોના બદલે માત્ર પસંદગીના ઇન્વોઇસને જ ડિસ્કાઉન્ટ કરાવે છે.

આ સિસ્ટમના અનેક ફાયદા છે. કંપનીને પોતાના પૈસા માટે લાંબો સમય રાહ જોવી પડતી નથી, જેનાથી કર્મચારીઓને પગાર આપવા, સપ્લાયર્સને ચૂકવણી કરવા કે નવા ઓર્ડર પૂર્ણ કરવા માટે તરત જ રોકડ મળી રહે છે. સૌથી મોટી વાત એ છે કે આ માટે કોઈ પ્રોપર્ટી કે મશીનરી ગીરો રાખવાની જરૂર પડતી નથી અને સામાન્ય બેંક લોનની સરખામણીએ આ પ્રક્રિયા અત્યંત ઝડપી હોય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application