રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ચાલતા ખતરનાક ખેલ અને ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ સામે પોલીસે લાલ આંખ કરી છે. રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. (SOG) બ્રાંચે ગોંડલ તાલુકાના ભોજપરા ગામની સીમમાં દરોડો પાડીને ખાદ્ય તેલમાં ભેળસેળ કરવાનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે.
હ્યુમન સોર્સની સચોટ બાતમીના આધારે રેડ: મળતી માહિતી મુજબ, એસ.ઓ.જી. શાખાના પીએસઆઈ જી.જે. ઝાલા, એએસઆઈ વિપુલભાઈ ગુજરાતી અને પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ ડોડીયા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હ્યુમન સોર્સ (ખાનગી બાતમીદાર) મારફતે ચોક્કસ હકીકત મળી હતી કે, ભોજપરા ગામની સીમમાં આવેલ પ્લોટ નં. ૫૯/૭/૧ ના 'મુરલીધર પ્રોટીન્સ' નામના શેડ/કારખાનામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરીને ખાદ્ય તેલમાં મોટા પાયે ભેળસેળ કરવામાં આવી રહી છે.
ફૂડ સેફ્ટી ઓફિસરને સાથે રાખી સફળ કામગીરી: બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, રાજકોટના ફૂડ સેફ્ટી ઓફિસરને સાથે રાખીને કારખાનામાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન સ્થળ પરથી શંકાસ્પદ ભેળસેળયુક્ત ખાદ્ય તેલનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી 'સન ગોલ્ડ સનફ્લાવર તેલ', 'કિંગ સનફ્લાવર તેલ', 'મહારાણી કપાસિયા તેલ' અને 'સોયાબીન તેલ' મળીને કુલ ૨૯૯૫ કિલોગ્રામ ખાદ્ય તેલનો જથ્થો જપ્ત કર્યો છે.
વેપારીની ઓળખ અને કાનૂની કાર્યવાહી: આ મામલે પોલીસે મોટા દળવા ગામના રહેવાસી ૨૬ વર્ષીય જયદેવભાઈ પ્રભાતભાઈ ડાંગર (આહીર) નામના વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર કામગીરી એસ.ઓ.જી. પી.આઈ. એફ.એ. પારગીની આગેવાની હેઠળ પીએસઆઈ જી.જે. ઝાલા તથા તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે.