#aajkaal team
ભગવાન શ્રીકૃષ્ણના 5253મા પાવન જન્મોત્સવ (જન્માષ્ટમી) નિમિત્તે સમગ્ર ગુજરાત ભક્તિરસમાં ડૂબયું છે. રાજ્યના મુખ્ય ત્રણ કૃષ્ણ ધામો—દ્વારકા, ડાકોર અને શામળાજીમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. 'નંદ ઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલ કી' અને 'જય રણછોડ, માખણ ચોર'ના જય ઘોષથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
હજારો-લાખોની સંખ્યામાં ઉમટેલા ભક્તોએ પોતાના આરાધ્ય દેવના દિવ્ય રૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
દ્વારકામાં જગતમંદિરની દિવ્યતા અને અદ્ભુત રોશની
દ્વારકાધીશની નગરી દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. વિશ્વપ્રસિદ્ધ જગતમંદિરને રંગબેરંગી અને કલાત્મક રોશનીથી અલૌકિક રીતે શણગારવામાં આવ્યું છે. દૂર-દૂરથી આવતા યાત્રાળુઓ મંદિરના શિખર અને દીપોત્સવી નજારા જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
જગતમંદિરમાં વહેલી સવારે મંગળા આરતી સાથે જ દર્શન માટે શ્રદ્ધાળુઓની લાંબી કતારો લાગી હતી. જન્મોત્સવના આ મહાપર્વ નિમિત્તે ગોમતી ઘાટ અને સમગ્ર દ્વારકા નગરીમાં આસ્થા ભક્તિનો મહાસાગર ઊમટ્યો હતો.
ડાકોરમાં 'જય રણછોડ'નો નાદ અને ભક્તોનું ઘોડાપૂર
ખેડા જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજીના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. 'જય રણછોડ, માખણ ચોર'ના ગગનભેદી નારાઓથી ડાકોર મંદિર પરિસર ગુંજી ઊઠ્યું હતું. વહેલી સવારે મંદિરના દ્વાર ખુલતા જ રણછોડરાયજીને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. પદયાત્રા કરીને અને દૂર-દૂરના વિસ્તારોમાંથી આવેલા કૃષ્ણભક્તોએ કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને પણ પ્રભુના દર્શનનો લાભ લીધો હતો. સમગ્ર ડાકોર ધામમાં ધાર્મિક ઉલ્લાસ અને આનંદનો માહોલ છવાઈ ગયો હતો.
શામળાજીમાં શામળિયાનો પંચામૃત અભિષેક અને ભવ્ય શૃંગાર
અરવલ્લી સ્થિત સુપ્રસિદ્ધ શામળાજી મંદિરમાં પણ શ્રીકૃષ્ણ જન્મોત્સવની અત્યંત ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારે ભગવાન શામળિયાને દૂધ, દહીં, ધી, મધ અને સાકર સહિતના પંચામૃતથી દિવ્ય સ્નાન અને અભિષેક કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રભુને પીતાંબર અને મનોહર આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા. પંચામૃત અભિષેકના આ દિવ્ય દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
સુરક્ષા અને સુવિધાઓનું સુદ્રઢ આયોજન
ત્રણેય મુખ્ય ધાર્મિક સ્થળોએ જન્માષ્ટમી પર્વ દરમિયાન કોઈ અપ્રિય બનાવ ના બને અને ભક્તો સરળતાથી દર્શન કરી શકે તે માટે પ્રશાસન અને વન/પોલીસ વિભાગ દ્વારા વ્યાપક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સીસીટીવી કેમેરા, પીવાના પાણીની વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ અને હેલ્પડેસ્ક જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. રાત્રે 12 વાગ્યે કાનુડાના જન્મ સમયે મહાઆરતી, પંજીરી પ્રસાદ વિતરણ અને મટકી ફોડ જેવા વિવિધ સાંસ્કૃતિક-ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.