BREAKING NEWS

નૂતન વર્ષે આસ્થાનું ઘોડાપૂર: સોમનાથ, ડાકોર અને અંબાજીમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ

  • November 10, 2026 12:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


#teamaajkaal

આજથી ગુજરાતમાં ઉત્સાહભર્યા નવા વર્ષ (વિક્રમ સંવત ૨૦૮૨) ની શરૂઆત થઈ ચૂકી છે. નવા વર્ષના પાવન અવસરે રાજ્યના પ્રખ્યાત ધાર્મિક સ્થળો પર શક્તિ, ભક્તિ અને આસ્થાનો અદ્ભુત મહાસંગમ જોવા મળ્યો છે. વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે અને સૌએ નવા વર્ષની શરૂઆત ભગવાનના ચરણોમાં 
શીશ ઝૂકાવીને કરી છે.


પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરે નૂતન વર્ષના દિવસે ભક્તોનું ભારે ઘોડાપૂર ઉમટ્યું હતું. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. નવા વર્ષની શરૂઆત મહાદેવના આશીર્વાદ સાથે કરવા માટે ગુજરાતભરમાંથી જ નહીં પરંતુ દેશ-વિદેશથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ સોમનાથ પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં 'હર હર મહાદેવ' ના જયનાદ સાથે ભક્તિમય માહોલ છવાયો હતો.


બીજી બાજુ, તીર્થધામ ડાકોરમાં પણ રણછોડરાયજીના દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી. ડાકોરની પવિત્ર ગલીઓમાં 'જય રણછોડ, માખણ ચોર' ના નાદ સાથે સમગ્ર નગરી ગુંજી ઉઠી હતી. નવા વર્ષના દિવસે ઠાકોરજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો અને દર્શનનો લાભ લેવા માટે હજારોની સંખ્યામાં વૈષ્ણવો અને શ્રદ્ધાળુઓ ડાકોર પહોંચ્યા હતા.


શક્તિપીઠ અંબાજી મંદિરમાં પણ નૂતન વર્ષ નિમિત્તે અદભુત નજારો જોવા મળ્યો હતો. માં અંબાના મંદિરને દેશ-વિદેશના રંગબેરંગી ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. ફૂલોની સજાવટથી મંદિરની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા છે. નવા વર્ષના પાવન દિવસે મા અંબાના દર્શન અને અખંડ જોતના દર્શન કરવા માટે વહેલી સવારથી જ માઈભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.


આમ, ગુજરાતના તમામ મુખ્ય ધાર્મિક સ્થળોએ નૂતન વર્ષનો ઉત્સવ ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ઉજવાઈ રહ્યો છે. લોકોએ પોતાના પરિવાર સાથે નવા વર્ષની શરૂઆત ભગવાનના આશીર્વાદ લઈને કરી છે અને રાજ્યમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિની કામના કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application