BREAKING NEWS

મુંબઈ જતા અને અમદાવાદ આવી રહેલા મુસાફરો ધ્યાન આપે... વલસાડમાં અતિભારે વરસાદથી રેલવે ટ્રેક ધોવાયો, અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ

  • July 22, 2026 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ 16 ઈંચથી વધુ અતિભારે વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત નાનાપોંઢામાં ૧૧ ઈંચ, પારડીમાં ૯.૩૭ ઈંચ અને વલસાડ શહેરમાં ૮.૩૧ ઈંચ વરસાદ નોંધાતાં નીચાણવાળા વિસ્તારો અને માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.


આકાશી આફતના કારણે વલસાડ જિલ્લાના ઉદવાડા અને પારડી રેલવે સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક પર મોટા પાયે માટીનું ધોવાણ (બ્રિજ/બેંક સ્લાઈડિંગ) થયું છે. ટ્રેક નીચેથી માટી ખસી જતાં મુંબઈ-અમદાવાદ વચ્ચેનો મુખ્ય રેલ વાહનવ્યવહાર ગંભીર રીતે ખોરવાયો છે. પશ્ચિમ રેલવે દ્વારા માર્ગ પુનઃ શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલીક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે અને અન્ય ટ્રેનોના રૂટ ટૂંકાવવામાં આવ્યા છે.


રદ્દ અને શોર્ટ ટર્મિનેટ કરાયેલી પ્રમુખ ટ્રેનો


રેલવે પ્રશાસન દ્વારા ઉમરગામ-વલસાડ મેમુ (૬૯૧૫૩) અને વલસાડ-ઉમરગામ રોડ મેમુ (૬૯૧૫૪) સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવી છે. આ સિવાય ઘણી ટ્રેનો અડધેથી જ રોકી દેવામાં આવી છે:

કર્ણાવતી એક્સપ્રેસ (૧૨૯૩૪): અમદાવાદથી ઉપડી વલસાડ સુધી જ ચાલશે.

ડબલ ડેકર એક્સપ્રેસ (૧૨૯૩૨): અમદાવાદથી ઉપડી નવસારી સુધી જ ચાલશે.

સાયજીનગરી એક્સપ્રેસ (૨૦૯૦૮): ભુજથી ઉપડી સુરત સુધી જ ચાલશે.

અજમેર-બાંદ્રા ટર્મિનસ SF (૧૨૯૯૬): અજમેરથી ઉપડી વલસાડ સુધી જ ચાલશે.

બોરીવલી-વલસાડ મેમુ વાપી સુધી અને વડોદરા-દહાણુ રોડ ટ્રેન બિલીમોરા સુધી જ સીમિત રહેશે.


અડધેથી શરૂ થનારી (શોર્ટ ઓરિજિનેટ) ટ્રેનો અને રેલવેની અપીલ

સામે પક્ષે મુંબઈ અને મહારાષ્ટ્ર તરફથી આવતી કેટલીક ટ્રેનો પણ રસ્તામાંથી જ દોડાવવામાં આવશે

બાંદ્રા-અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ (૧૨૯૩૩): બાંદ્રાને બદલે વલસાડથી (૧૬:૨૦ વાગ્યે) ઉપડશે.

મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ડબલ ડેકર (૧૨૯૩૧): નવસારીથી (૧૭:૨૦ વાગ્યે) ઉપડશે.

દાદર-ભુજ સાયજીનગરી એક્સપ્રેસ (૨૦૯૦૭): સુરતથી (૧૯:૩૫ વાગ્યે) ઉપડશે.

બાંદ્રા-અજમેર SF (૧૨૯૯૫): વલસાડથી (૨૦:૧૫ વાગ્યે) ઉપડશે.


રેલવે પ્રશાસને મુસાફરોને વિનંતી કરી છે કે મુસાફરીએ નીકળતા પહેલાં નેશનલ ટ્રેન રનિંગ સ્ટેટસ (NTES) એપ અથવા ૧૩૯ હેલ્પલાઈન નંબર પર ટ્રેનની સ્થિતિ ચકાસી લેવી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application