રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી અને ધોરણ 11માં અભ્યાસ કરતી 15 વર્ષની સગીરાને ગોંડલના શખસે પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યા અંગે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બંને સોશિયલ મીડિયા મારફતે પરિચયમાં આવ્યા બાદ ગોંડલના આ શખસે સગીરાને ફસાવી દુષ્કર્મ આચરી સંબંધ ચાલુ રાખવા ધમકી આપી હતી.
દુષ્કર્મના આ બનાવની મળતી વિગતો મુજબ, શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી સગીરાના વાલીએ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલમાં શ્રીરામ હોસ્પિટલ પાસે રહેતા ધવલ દિલીપભાઈ રાવરાણી (ઉં.વ. 30) નું નામ આપ્યું છે. જે ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે દુષ્કર્મ, પોકસો એકટ અને ધમકી આપવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
ફરિયાદમાં જણાવેલી વિગતો મુજબ, સાત માસ પૂર્વે સગીરાનો પરિચય ધવલ સાથે ઈન્સ્ટાગ્રામ મારફતે થયો હતો, જે બાદમાં પ્રેમસંબંધમાં પરિણમ્યો હતો. સગીરાના માતા-પિતા અલગ રહેતા હોવાથી તે પિતા સાથે રહેતી હતી. બનાવના દિવસે પિતા કામ પર ગયા હોવાથી સગીરા ઘરમાં એકલી હતી, દરમિયાન આરોપી તેના ઘરે આવી પહોંચ્યો હતો અને સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.
બનાવ બાદ આરોપી સગીરાને સતત ધમકીઓ આપી સંબંધ ચાલુ રાખવા દબાણ કરતો હતો. આરોપીના ત્રાસથી કંટાળી ગયેલી સગીરાએ અંતે પિતાને આપવીતી જણાવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. ત્યારબાદ તુરંત પ્રદ્યુમનનગર પોલીસ મથકે પહોંચી દીકરી સાથે બનેલી આ ઘટના અંગે જાણ કરી હતી. જેથી પ્ર.નગરના પીઆઇ એમ. ડી. મકવાણાની રાહબરી હેઠળ પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. ધોરણ 11 માં અભ્યાસ કરતી 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર ગોંડલનો ધવલ રાવરાણી પરિણીત હોવાનું પણ માલૂમ પડ્યું છે,બનાવ અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.