જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં પીએમજેએવાય-મા કાર્ડ યોજનામાં ગેરરીતી કરાઇ હોવાનો ધડાકો થયા પછી આ ઇન્સ્ટીટ્યુટ સામે શું પગલા આવે છે તેનો ઇન્તજાર હતો, દરમ્યાનમાં ગુજરાત મેડીકલ કાઉન્સીલની આ મુદ્દે ચાલી રહેલી તપાસ અંતર્ગત આવતા મહિને ખાસ બેઠક મળશે, જેમાં ડો. પાર્શ્ર્વ વોરાને પણ તેડુ મોકલવામાં આવશે. આ મીટીંગ પછી કાઉન્સીલ તરફથી કેવા પગલા લેવામાં આવે છે તેને લઇને ભારે ઇન્તેજાર રહેશે.
ગુજરાત મેડીકલ કાઉન્સીલની જેસીસી હાર્ટ ઇન્સ્ટીટ્યુટ ગેરરીતી પ્રકરણની તપાસ ચાલી રહી છે ત્યારે કાઉન્સીલના એક અધિકારીનો આજકાલ દ્વારા સંપર્ક સાધવામાં આવતા ઉપરોકત મહત્વની વિગતો જાણવા મળી હતી.
સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે જેસીસી હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં દર્દીઓની કરાયેલી સારવાર અંગેના જે ખુટતા દસ્તાવેજો હતાં અને મંગાવવામાં આવ્યા હતાં એ તમામ આવી ગયા છે, મહદંશે તપાસ પુરી થઇ ગઇ છે.
અમદાવાદના કુખ્યાત ખ્યાતી કાન્ડની જેમ ગુજરાત સરકારે જેસીસી હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં પીએમજેએવાય યોજના અંતર્ગત થયેલ ગેરરીતીના મામલે કોઇ કમીટીની રચના કરી છે કે કેમ અને જો કરી હોય તો તેનો રીપોર્ટ પણ ગુજરાત મેડીકલ કાઉન્સીલ દ્વારા માંગવામાં આવ્યો છે.
આગામી જાન્યુઆરી માસમાં ગુજરાત મેડીકલ કાઉન્સીલની મળનારી બેઠકમાં જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટીટ્યુટ મામલે વિશેષ ચર્ચા કરવામાં આવશે, આટલું જ નહિં આ ગેરરીતી માટે જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એ ડો. પાર્શ્ર્વ વોરાને પણ મીટીંગમાં બોલાવવામાં આવશે, આ મીટીંગ બાદ ગુજરાત મેડીકલ કાઉન્સીલ તરફથી ડો. પાર્શ્ર્વ વોરા અને જેસીસી હાર્ટ ઇન્સ્ટીટ્યુટ સામે શું પગલા લેવામાં આવશે તેના પર સૌની નજર રહેશે.
અત્રે નોંધનીય છે કે જામનગર શહેરમાં હાલ કેશલેસ સારવાર માટે જીજી હોસ્પિટલ સીવાય બીજો કોઇ વિકલ્પ હદય સંબંધી બીમારી ધરાવતા દર્દીઓ પાસે રહ્યો નથી, અગાઉ શારદા હોસ્પિટલ આ યોજના સબંધે કામ છોડી ચૂકી છે, આ પછી જેસીસી હાર્ટ ઇન્સ્ટીટ્યુટ અને ઓશવાળ આયુષ હોસ્પિટલો પણ હાલમાં સસ્પેન્ડ છે, એટલે મોટો સવાલ એ તો ઉભો જ છે કે આજના દિવસે જો કોઇ ગરીબ કે મઘ્યમ વર્ગના દર્દીને હદય સીવાય પીએમજેએવાય કેટેગરીમાં આવતી કોઇપણ બિમારી થાય તો કેશલેસ સારવારનો કોઇપણ વિકલ્પ ઉપલબ્ધ નથી, આ બાબત પણ અત્યંત મહત્વની છે અને અફસોસ કે મોઢામાં મગ ભરીને બેસી ગયેલા જામનગરના કહેવાતા ઠેકેદારો એટલે કે ચુંટાયેલા પ્રતિનિધિઓ અત્યાર સુધી ખામોશ છે.