ઉપલેટામાં રહેતા નિવૃત રેલવે કર્મચારી એટીએમ ખાતે પૈસા ઉપાડવા ગયા હતાં. દરમિયાન અજાણ્યા શખસે મદદના બહાને વૃધ્ધનું એટીએમ કાર્ડ બદલી લઇ તેમની પાસેથી યેનકેન પ્રકારે પાસવર્ડ જાણી લીધો હતો. બાદમાં વૃધ્ધના એકાઉન્ટમાંથી રૂ.૪.૩૫ લાખ ઉપાડી લીધા હતાં. જે અંગે ખ્યાલ પડતા વૃધ્ધે ઉપલેટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ઉપલેટામાં રહેતા અને રેલવેમાંથી નિવૃત્ત થયેલા ૬૦ વર્ષીય સેવાદાસ રામકૃષ્ણ ગોંડલીયા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અજાણ્યા શખસનું નામ આપ્યું છે. વૃધ્ધે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તારીખ ૧૭/૦૯/૨૦૨૬ના રોજ તેઓ પૈસા ઉપાડવા માટે એસ.બી.આઇ. બેંકના એટીએમ મશીનમાં ગયા હતા, પરંતુ મશીનમાંથી પૈસા ન નીકળતા ત્યાં હાજર એક અજાણ્યા શખસે તેમને અન્ય એટીએમમાં જવા જણાવ્યું હતું. ફરિયાદીએ તે અજાણ્યા માણસને પોતાના મોટરસાઇકલ પર બેસાડી કોલકી રોડ પર આવેલા અન્ય એટીએમ પર લઈ ગયા હતા.
ફરિયાદીએ પૈસા ઉપાડ્યા બાદ અજાણ્યા શખસે નજર ચૂકવીને તેમનું એટીએમ કાર્ડ બદલી નાખ્યું હતું અને તેના બદલે હિતેશકુમાર વાઘેલાના નામનું બીજું એટીએમ કાર્ડ તેમને પકડાવી દીધું હતું. તારીખ ૨૭/૦૯/૨૦૨૬ના રોજ ફરિયાદી રાજકોટમાં ટી.વી. ખરીદવા ગયા અને કાર્ડથી પૈસા ન ઉપડતા તેમને પોતાનું કાર્ડ બદલાઈ ગયું હોવાની જાણ થઈ હતી. તેમના ભાણેજે મોબાઈલમાં મેસેજ ચેક કરતા જાણવા મળ્યું કે તારીખ ૧૭/૦૯/૨૦૨૬ થી ૨૭/૦૯/૨૦૨૬ વચ્ચે અજાણ્યા શખ્સે તેમના ખાતામાંથી અલગ-અલગ જગ્યાએથી કુલ રૂ. ૪,૩૫,૯૪૯ ઉપાડી લીધા છે.આ બનાવ અંગે ફરિયાદીએ સૌપ્રથમ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં તારીખ ૩૦/૦૯/૨૦૨૬ ના રોજની અરજી કરી હતી જે બાદ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બીએનએસની કલમ ૩૧૮(૨), ૩૧૭ અને આઇ.ટી. એક્ટની કલમ ૬૬(સી) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.