સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદે વિરામ યથાવત રાખ્યો હોય તેમ આજે મંગળવારે સવારે પણ મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લાના ગણ્યા-ગાંઠ્યા વિસ્તારોમાં માત્ર હળવા વરસાદી ઝાપટાં નોંધાયા હતા. બીજી તરફ સમગ્ર ગુજરાતમાં સવારે છ વાગ્યે પૂરા થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 109 તાલુકામાં ઝાપટાથી માંડીને એકાદ-બે તાલુકામાં એકથી અઢી ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. આજે સવારે પણ રાજ્યના કુલ 267 તાલુકામાંથી માત્ર 27 તાલુકામાં અડધા ઇંચ સુધીનો વરસાદ નોંધાતા ચોમાસાની ગતિ ફરી મંદ પડી હોવાનું ચિત્ર સામે આવ્યું છે. ભારત હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર રહેલો લો-પ્રેશર વિસ્તાર સંપૂર્ણપણે નબળો પડી ગયો છે. તેની સાથે જોડાયેલું ચક્રવાતી પરિભ્રમણ હવે ઉત્તર-પૂર્વ રાજસ્થાન ઉપર છે અને ચોમાસાનો ટ્રફ બિકાનેર, દિલ્હી, લખનૌ, પટના થઈને મણિપુર તરફ પસાર થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધીનો ઓફ-શોર ટ્રફ પણ ઓછો સ્પષ્ટ બન્યો હોવાથી વરસાદની તીવ્રતા ઘટી છે. હવામાન વિભાગે જોકે આગામી પાંચ દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હાલ કોઈ ભારે વરસાદની વિશેષ ચેતવણી આપવામાં આવી નથી. હાલની સ્થિતિમાં રાજસ્થાન અને બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમો નબળી પડતાં ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. તેથી આગામી દિવસોમાં જો બંગાળની ખાડી અથવા અરબી સમુદ્રમાં નવી લો-પ્રેશર સિસ્ટમ સર્જાશે તો જ રાજ્યમાં ફરી વ્યાપક વરસાદી પ્રવૃત્તિ તેજ બનવાની શક્યતા હવામાન નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application