BREAKING NEWS

રાજકોટના વોર્ડ નં.1માં ગંદકી અને દૂષિત પાણીથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો, રહીશોમાં ડેન્ગ્યુ, મેલેરિયાના રોગ ફાટી નીકળવાની દહેશત

  • August 26, 2026 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના વોર્ડ નંબર-1માં મચ્છરોના વધતા ઉપદ્રવને કારણે સ્થાનિક રહીશોની મુશ્કેલી વધી રહી છે. જામનગર રોડ પર નવી કોર્ટ પાછળ આવેલા અરિહંતનગર વિસ્તાર તેમજ એફસીઆઈ ગોડાઉન નજીકના રસ્તા પાસેની ખુલ્લી પડતર જમીનમાં ગંદકી અને દૂષિત પાણીના ભરાવાથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોવાની ફરિયાદો સામે આવી છે.


પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાથી લાંબા સમયથી પાણી ભરાઈ રહેતું હોવાના કારણે આ સ્થળ મચ્છરો માટેના ઉદગમસ્થાનમાં ફેરવાયું છે. આસપાસના રહીશોને મચ્છરોના ત્રાસનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં ડેંગ્યુ, મેલેરિયા સહિતના મચ્છરજન્ય રોગોના કેસો સામે આવી રહ્યા હોવાથી સ્થાનિકોમાં આરોગ્યને લઈને પણ ચિંતા જોવા મળી રહી છે.


આ સમસ્યા અંગે સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકા તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી પૂરતી કામગીરી નહીં થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે માત્ર દવાનો છંટકાવ કરવાથી નહીં પરંતુ પડતર જમીનમાં ભરાયેલા દૂષિત પાણીનો નિકાલ કરી સ્થળની સફાઈ કરવી પણ જરૂરી છે.


મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મચ્છર નિયંત્રણ માટે ડ્રોન મારફતે દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વોર્ડ નંબર-1ના આ વિસ્તારમાં પણ ડ્રોન સહિતની જરૂરી વ્યવસ્થા દ્વારા તાત્કાલિક જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે અને ગંદકી દૂર કરવામાં આવે તેવી માંગ સ્થાનિકોમાંથી ઉઠી છે.


સ્થાનિકો દ્વારા તંત્રને વહેલી તકે કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે, જેથી મચ્છરજન્ય રોગોના ફેલાવાને અટકાવી શકાય અને વિસ્તારના રહીશોને રાહત મળી શકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application