BREAKING NEWS

સુરતમાં ગણપતિ વિસર્જનમાં મુંબઈ જેવો માહોલ, રાજકોટ, અમદાવાદ, વડોદરામાં ભાવિકોમાં ગરબાની રમઝટ

  • September 25, 2026 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગણેશ ચતુર્થીથી શરૂ થયેલા દસ દિવસીય ગણેશોત્સવનું આજે અનંત ચતુર્દશીએ પવિત્ર સમાપન થયું  છે, ત્યારે રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા સહિત સમગ્ર રાજ્યભરમાં ઠેર-ઠેર નાની-મોટી ગણેશજીની મૂર્તિઓનું ભાવપૂર્વક વિસર્જન કરવામાં આવી રહ્યું છે. સુરતમાં વહેલી સવારથી જ વિસર્જન યાત્રાઓ નીકળી હતી અને બપોર થતાની સાથે જ અહીં અદ્ભુત મુંબઈ જેવો માહોલ જામ્યો હતો. શહેરમાં ત્રણ-ત્રણ માળ ઊંચી ભવ્ય મૂર્તિઓની રાજમાર્ગ પર શાહી સવારી નીકળી હતી તથા વિશ્વ શાંતિના સંદેશ સાથે તિરંગા યાત્રા રૂપે પણ ગણેશ વિસર્જન યાત્રાઓ જોવા મળી હતી.  ભાગળ વિસ્તારમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, જ્યારે હજીરા ખાતે ૨૦થી ૨૮ ફૂટ સુધીની વિશાળ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે.

રાજકોટમાં પણ આજે નાની-મોટી 10 હજારથી વધુ ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ઢોલ-નગારા અને અબીલ-ગુલાલની છોળો સાથે શહેરભરમાં ભાવિકો દ્વારા ગણપતિ વિર્સજન કરવામાં આવી રહ્યું છે. ગણપતિજીને ભાવભીની આંખે ભાવિકો વિદાય આવી રહ્યા છે. કેટલીક જગ્યાએ તો ભાવિકો બાપ્પાની વિદાય સમયે ભાવુક પણ બન્યા હતા. શહેરમાં શાંતિપૂર્ણ માહલોમાં ગણપતિ વિસર્જન થાય તે માટે 1383 પોલીસ જવાનો ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. 

અમદાવાદ શહેરમાં ગણેશ ઉત્સવની ભક્તિસભર ઉજવણી બાદ ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ ઝોનમાં વિશેષ આયોજન અને વ્યવસ્થાઓ કરવામાં આવી છે. નાગરિકો સરળતાથી અને સુચારૂ રૂપે પોતાની પ્રતિમાઓનું વિસર્જન કરી શકે તે માટે અલગ-અલગ વિસ્તારોમાં વિસર્જન કુંડ અને નિશ્ચિત સ્થળો ફાળવવામાં આવ્યા છે. જેમાં ભાવિકો ગરબાની રમઝટ અને ઢોલ-નગારાના તાલે વિર્સજન કરી રહ્યા છે. 

શહેરના પૂર્વ ઝોનમાં વસ્ત્રાલ, રામોલ અને નિકોલ જેવા વોર્ડ્સમાં મેટ્રો સ્ટેશનની બાજુમાં, વડું તળાવ અને શ્રીધર બંગલોઝની બાજુમાં વિસર્જન કુંડની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત ઉત્તર ઝોનમાં સેજપુર તળાવ અને સરદારનગર ખાતે જે.પી. રિવ્યુ સામા અને ભીણેશ્વર મશાન પાસે વિસર્જન માટેના સ્થળો નક્કી કરાયા છે. પશ્ચિમ ઝોનમાં નારણપુરા, સાબરમતી (ઓડા ગાર્ડન પાસે), નવરંગપુરા, રાણીપ, પાલડી અને ચાંદખેડા વિસ્તારમાં પણ વિસર્જન માટે ખાસ પોઈન્ટ્સ ફાળવવામાં આવ્યા છે.   

દક્ષિણ ઝોનમાં વટવા, મણિનગર (કાંકરિયા પાસે), ખોખરા અને લાંભા ખાતે વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. મધ્ય ઝોનમાં શાહપુર, શાહીબાગ અને જમાલપુર (એલિસબ્રિજ નીચે) વિસર્જનની સુવિધા છે. ઉત્તર-પશ્ચિમ ઝોનમાં બોડકદેવ, ચાંદલોડિયા, ગોતા અને થલતેજ તેમજ દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં જોધપુર અને સરખેજ વિસ્તારમાં પણ વિસર્જન કુંડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેથી ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે.   

સુરતમાં સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે દરેક મોટી મૂર્તિઓ પાછળ ઉપર એક વ્યક્તિ બેસી શકે તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી રસ્તામાં આવતા વીજળીના વાયરોથી કોઈ સમસ્યા ન સર્જાય. આ ઉપરાંત, ફૂલપાડા ગુપ્તેશ્વર યુવક મંડળ દ્વારા અનોખો નજારો જોવા મળ્યો હતો જ્યાં સભ્યોએ દસ દિવસની સેવા દરમિયાન અજાણતા થયેલી ભૂલચૂક બદલ શ્રીજીની પ્રતિમા સમક્ષ કાન પકડીને ઉઠક-બેઠક કરી ક્ષમાયાચના કરી હતી. ડક્કા ઓવારા ખાતે દીનદયાળ યોજના અંતર્ગત સ્વ-સહાય જૂથની બહેનો દ્વારા ગણેશજી પરનો શણગાર ઉતારીને વેસ્ટમાંથી બેસ્ટ બનાવી જરૂરિયાતમંદોને આપવાની સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. પાલ ઓવારા અને અન્ય સ્થળો પર ભક્તોએ વિઘ્નહર્તાની છેલ્લી આરતી ઉતારી હતી અને દસ દિવસ પરિવારના સભ્યની જેમ સેવા કર્યા બાદ દાદાને વિદાય આપતી વખતે ભક્તો અત્યંત ભાવુક બન્યા હતા.

સુરત મહાનગરપાલિકા દ્વારા કતારગામ ઝોનના સિંગણપોર સહિતના વિસ્તારોમાં કૃત્રિમ તળાવોની વિશેષ વ્યવસ્થા કરાઈ છે. મનપાનો સ્ટાફ ખડે પગે રહીને વીસ ટ્રક સ્ટેન્ડ-બાય રાખ્યા હતા, જેના દ્વારા તળાવમાં વિસર્જન થતી મૂર્તિઓને હજીરા લઈ જવામાં આવી રહી છે. સુરતમાં આજે અંદાજે ૯૦,૦૦૦ જેટલી નાની-મોટી શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન થઈ રહ્યું છે, જેના માટે ૨૧ કૃત્રિમ તળાવ અને ત્રણ કુદરતી ઓવારા તૈયાર કરાયા છે. ૧૭ ફૂટથી ઊંચી ૮૦૦ જેટલી વિશાળ પ્રતિમાઓ હોવાથી આ વિસર્જન પ્રક્રિયા શનિવાર રાત સુધી ચાલવાની પૂરી શક્યતા છે.

વડોદરા શહેરમાં પણ ગણેશ વિસર્જનને લઈને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઠેર ઠેર મોટા પંડાલોથી લઈ ઘરોમાં સ્થાપિત કરેલા ગણપતિનું વિસર્જન કરવા મનપા દ્વારા નક્કી કરાયેલા સ્થળોએ પહોંચી રહ્યા છે. ગણપતિ બાપ્પાની ભાવભીની વિદાય સાથે ભાવિકોએ રાસ-ગરબાની પણ રમઝટ બોલાવી હતી. 


સુરતમાં શ્રીજીની મૂર્તિ સામે ભક્તોએ ઉઠકબેઠક કરી

સુરતમાં ફુલપાડા ગુપ્તેશ્વર યુવક મંડળ દ્વારા એક અનોખો અને ભાવુક નજારો જોવા મળ્યો હતો. મંડળના સભ્યોએ દસ દિવસની સેવા-પૂજા દરમિયાન અજાણતા પણ કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો ક્ષમા કરવાના ભાવ સાથે શ્રીજીની પ્રતિમા સમક્ષ કાન પકડી ઉઠક-બેઠક કરી ક્ષમાયાચના કરી હતી. ત્યારબાદ ભક્તિભાવપૂર્ણ માહોલમાં ઢોલ-નગારાના ગગનભેદી નાદ અને 'ગણપતિ બાપ્પા મોરિયા, પુઢચ્યા વર્ષી લવકર યા'ના જયઘોષ સાથે મંડળે બાપ્પાને વિદાય આપી વિસર્જન કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application