રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન અસંતોષકારક અને ઓછો વરસાદ નોંધાયો છે, જેના કારણે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના ઓછા વરસાદવાળા ચાર પ્રમુખ જિલ્લાઓ—દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગરમાં પીવાના પાણી તેમજ પશુઓ માટે ઘાસાચારની તંગી ન સર્જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા અત્યારથી જ યુદ્ધના ધોરણે આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આ અંગે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં વિશેષ ચર્ચા કરવામાં આવી હતી અને મુખ્યમંત્રીએ સંબંધિત વિભાગોને સખત સૂચનાઓ આપી છે.
ચાલુ ચોમાસાની સિઝનમાં નોંધાયેલા આંકડાઓ અનુસાર, દ્વારકામાં માત્ર ૬.૪૧ ટકા, પોરબંદરમાં ૧૮.૧૨ ટકા, કચ્છમાં ૨૯.૪૯ ટકા અને જામનગરમાં ૨૮.૭૮ ટકા જ સરેરાશ વરસાદ થયો છે. આ નહિવત્ વરસાદના કારણે આ ચારેય જિલ્લાઓમાં આગામી સમયમાં ગંભીર પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે પાણી પુરવઠા તંત્ર દ્વારા વિશેષ બ્લૂપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે.
નર્મદાની નહેરો અને પાઇપલાઇન દ્વારા જળ પૂરવઠો
રાજ્ય સરકારના આયોજન મુજબ, આ ચારેય જિલ્લાઓમાં આવેલ ધોડી ડેમ, સાની ડેમ, ઊંડ ડેમ અને વર્તુ ડેમ સહિતના પાંચ ડેમ અત્યારે ક્રિટિકલ સ્થિતિમાં છે. આ ડેમોને સૌની યોજનાની પાઇપલાઇન અને પાણી પુરવઠા તંત્રની બલ્ક પાઇપલાઇન મારફતે નર્મદાના પાણીથી ભરવામાં આવશે. આ ઉપરાંત કચ્છમાં ટપ્પર ડેમ અને ફતેહગઢ ડેમ પણ નર્મદાના નીરથી ભરવાનું આયોજન કરાયું છે.
ટૂંક સમયમાં જ ઉપરોક્ત ચારેય જિલ્લાઓની પીવાના પાણીની ૭૦ થી ૮૦ ટકા જરૂરિયાતો નર્મદાના પાણીથી સંતોષવામાં આવશે. બાકી રહેતી જરૂરિયાત માટે નવા બોર-કૂવા બનાવીને પંમ્પિંગ સિસ્ટમ દ્વારા પાણી પૂરું પાડવામાં આવશે, જ્યારે અંતરિયાળ વિસ્તારોના ગામડાઓમાં ટેન્કર દ્વારા પાણી વિતરણ કરાશે.
પાણી પુરવઠા વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આયોજનની અમલીકરણ પ્રક્રિયા ત્વરિત શરૂ કરી દેવામાં આવી છે. હાલ ખરીફ સિઝન માટે નર્મદાનું પાણી સિંચાઈ હેતુસર અપાઈ રહ્યું છે, ત્યારબાદ મોટાભાગે દર ત્રણ મહિને ઉપરોક્ત ડેમોમાં પીવા માટે પાણી ભરવામાં આવશે. આ સાથે જ, વર્તમાન ચોમાસામાં વરસાદ ઓછો થવાના કારણે રાજ્યમાં પશુઓ માટે પૂરતા પ્રમાણમાં ઘાસચારો પૂરો પાડવા અને દુષ્કાળ જાહેર કરવાની માંગણીઓ પણ ઉઠી રહી છે, જેને ધ્યાનમાં રાખીને સરકારે તંત્રને સતર્ક રહેવા આદેશ કર્યો છે.