રાજકોટ મહાપાલિકાના જન્મ-મરણ વિભાગમાં છેલ્લા ૩૦ દિવસથી ભારે પરેશાની સર્જાઇ રહી છે અને અરજદારો દાખલાઓ માટે લાઇનો લગાવી રહ્યા છે પરંતુ દાખલા નિકળતા નથી અને નીકળે તો સમયસર નિકળતા નથી.જન્મ મરણ નોંધણી માટેનું કેન્દ્ર સરકારનું અલગ પોર્ટલ છે, રાજ્ય સરકારનું ઈ-ઓળખ પોર્ટલ છે અને મહાપાલિકાનો સૉફ્ટવેર અલગ હોય ભારે હેરાનગતિ થઇ રહી છે. દાખલા મળતા ન હોય આજે તો જાણે અરજદારોએ હડતાળ પાળી હોય તેમ એકલ દોકલ અરજદાર સિવાય આજે કોઇ આવ્યું જ ન હતું !
દરમિયાન મરણ દાખલા માટે ઇ-મેઇલ આઇડી ઉપર મેસેજનો નિયમ ફરજિયાત બનાવાતા અરજદારોમાં રોષ વ્યાપી ગયો છે. છેલ્લા ઘણા સમયથી જન્મ-મરણ નોંધણી વિભાગમાં ઉથલ પાથલ થઇ ગઇ છે. જેનુ મુખ્ય કારણ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા નવા પોર્ટલ ઉપર ડેટા અપલોડ ન થતા દાખલાઓ નીકળતા નથી.૨૦૨૦ પછીની એન્ટ્રી થઇ શકતી હોય ૨૦૨૦ પહેલાના તમામ ડેટાઓ રાજ્ય સરકારના પોર્ટલ મારફતે ઉપલબ્ધ કરાવામાં આવતા હતા. તેમા પણ સુધારા વધારા ન થતાં અંતે તંત્રએ મનપાએ બનાવેલા જૂના પોર્ટલ ઉપર કામગીરી શરૂ કરી હવે કેન્દ્ર સરકારના પોર્ટલ ઉપર ૨૦૨૫ પછીના તથા રાજ્ય સરકારના પોર્ટલ ઉપર ૨૦૨૦ પહેલા અને સુધારા વધારા માટેના મહાનગરપાલિકાના પોર્ટલ ઉપર કામગીરી શરૂ કરી છે. જેના માટે અરજદારોને સપ્તાહમાં બે-બે દિવસનો સમય ફાળવી વારા કાઢવામાં આવી રહ્યા છે. છતાં રોજે રોજે આવતા નવા નિયમોના કારણે અજરદારો રોજેરોજે કચેરીઓમાં ધક્કા ખાઇ રહ્યા છે.
જન્મ-મરણ વિભાગમાં વર્ષોથી મનપાએ બનાવેલ પોર્ટલ ઉપર કામગીરી થતી હતી. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા નવુ પોર્ટલ તૈયારી કરી તમામ પાલિકાઓ અને મહાપાલિકાઓમાં આ પોર્ટલને કાર્યરત કરવાની સૂચના આપવામાં આવેલ જેના લીધે મનપાના પોર્ટલનો તમામ ડેટા રાજ્ય સરકારના પોર્ટલમાં અપલોડ કરવામાં આવ્યો અને કામગીરી સરફળતાથી ચાલતી હતી. ત્યારે કેન્દ્ર સરકારે નવો સીઆરએસ પોર્ટલ તૈયાર કરી આ પોર્ટલ પર જન્મ-મરણ વિભાગની કામગીરી કરવાના આદેશ આપ્યા હતા. તા.૧-૯-૨૦૨૫થી આ પોર્ટલ કાર્યરત થયેલ પરંતુ ૨૦૨૦ પહેલાનો તમામ ડેટા આ પોર્ટલ ઉપર અપલોડ ન થતા જન્મ-મરણ વિભાગમાં અરજદારોની લાઇનો લાગતા તંત્રએ આ મુદ્દે સરકારમાં રજૂઆત કરેલ છતાં ૩૦ દિવસથી જન્મ-મરણ વિભાગમાં આંધાધુંધી માહોલ જોવા મળી રહ્યો હતો. આથી સરકારે રાજકોટ સહિતની મહાપાલિકાઓને રાજ્ય સરકારે શરૂ કરેલ જૂનુ પોર્ટલ એચવીઇ શરૂ કરવાની સૂચના આપી હતી. જેના લીધે મહાનગરપાલિકાએ હવે ત્રણેય પોર્ટલ પર બે-બે દિવસ કામગીરી થઇ શકે તેવુ ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યુ છે. છતાં સપ્ટેમ્બર માસ બાદના તમામ જન્મ-મરણના ડેટા અપડેટ ન થતા અરજદારોની લાઇનો આજે પણ યથાવત જોવા મળી હતી.
જન્મ-મરણ વિભાગમાં છેલ્લા એક માસથી દાખલાઓ કાઢવાની કામગીરી ઠપ્પ થઇ ગઇ છે. સરકાર દ્વારા રોજેરોજ નવા પોર્ટલો બનાવી લોકોનું કામ સરળ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પરંતુ સોફટવેરની નબળી કામગીરી અને અવાર નવાર ડાઉન થતા સર્વરને કારણે જન્મ-મરણ વિભાગની સ્થિતિ પહેલા કરતા વધુ ખરાબ હોવાનુ અધિકારીઓ જણાવી રહ્યા છે.
મહાનગરપાલિકાના પોર્ટલ ઉપર વર્ષોથી તમામ કામગીરી સરળતાથી થઇ રહી હતી. ત્યારે રાજ્ય સરકારે અને ત્યારબાદ કેન્દ્ર સરકારે પૂર્વ તૈયારી વગર નવા પોર્ટલ અમલમાં મૂકતા જૂના ડેટાઓ અપલોડ ન થતા તેમજ હોસ્પિટલની એન્ટ્રી સમયસર ન થવાથી અનેક લોકો દાખલાથી વંચીત રહેતા પામ્યા છે.
જન્મ-મરણ વિભાગમાં છેલ્લા એક માસથી આધાધૂંધી સર્જાય છે. તેનુ એક કારણ હોસ્પિટલો દ્વારા કરવામાં આવતી જન્મ-મરણની એન્ટ્રી ઘણા સમયથી અપલોડ ન થવાનુ પણ છે. હોસ્પિટલોમાં બાળકના જન્મ બાદ એન્ટ્રી મનપાના સોફટવેરમાં કરવામાં આવતી હોય છે. તેવી જ રીતે મરણજનાર વ્યકિતની એન્ટ્રી પણ સોફટવેરમાં કરવામાં આવે છે. ત્યારબાદ અરજદારને એસએમએસ મારફત સૂચના મળે છે. જેના આધારે જન્મ-મરણ વિભાગમાંથી દાખલાઓ મળવા પાત્ર છે.પરંતુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું સોફટવેર ચાલુ થતા મોટાભાગની હોસ્પિટલો માંથી કરવામાં આવેલ જન્મ-મરણની એન્ટ્રી આજ સુધી અપલોડ થઇ નથી તેવી જ રીતે અરજદારોને મેસેજ પણ મળ્યા ન હોય તમામ લોકોના દાખલાઓ નિકળી શકે તેમ ન હોવાથી જન્મ-મરણ વિભાગના અધિકારીઓ અને સ્ટાફ લાચાર બની આખો દિવસ અરજદારોને શાંત કરવામાં વિતાવી રહ્યા છે.