છ સદી જૂના અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ૫૦-૬૦ વર્ષ જૂના ખખડી ગયેલા અને જર્જરિત મકાનો તથા બાંધકામો તોડીને નવા બાંધકામ બનાવવાનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી રહ્યું છે. અત્યાર સુધી શહેરમાં આવા જૂના બાંધકામો તોડી પાડવા માટે કોઈ ચોક્કસ નીતિ-નિયમો ન હોવાથી આડેધડ ડિમોલિશનની કામગીરી ચાલતી હતી. જેના કારણે રસ્તાઓ પર કાટમાળના દબાણો, વાહનવ્યવહારમાં અડચણ અને ધૂળની ડમરીઓ ઊડવાથી હવાના પ્રદૂષણમાં અતિશય વધારો થવા જેવા ગંભીર પ્રશ્નો સર્જાતા હતા. આ સમસ્યાઓના કાયમી નિવારણ અર્થે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 'અમદાવાદ સસ્ટેનેબલ ડિમોલિશન પોલિસી-2026' ઘડી કાઢવામાં આવી છે, જેના અમલ બાદ શહેરમાં જૂના બાંધકામ તોડતી વખતે ચોક્કસ કડક નિયમોનું પાલન કરવું ફરજિયાત બનશે.
ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલના જણાવ્યા અનુસાર, નવી પોલિસીમાં કરવામાં આવેલી જોગવાઈઓ મુજબ હવે ડિમોલિશનની કામગીરી માત્ર દિવસના સમયે જ કરી શકાશે. સુરક્ષાના કારણોસર રાત્રિના સમયે સાઈટ પર લાઈટિંગની પૂરતી વ્યવસ્થા રાખવાની રહેશે. આ ઉપરાંત કોઈપણ જૂના મકાન કે બાંધકામને પાડતા પહેલાં ઓછામાં ઓછા સાત દિવસ અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફોટોગ્રાફ્સ, ફ્લોર એરિયા અને તેના ઉપયોગ સહિતની જરૂરી વિગતો સાથે જાણ કરવી પડશે. ડિમોલિશન સાઈટ પર પ્રદૂષણ અટકાવવા અને સુરક્ષાના પાસાંઓ સુનિશ્ચિત કરવા માટે બાંધકામના એરિયા અને ઊંચાઈના આધારે પાંચ અલગ-અલગ શ્રેણીઓમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. ડિમોલિશન દરમિયાન પેદા થતા કાટમાળને યોગ્ય રીતે ઢાંકીને રાખવો પડશે અને ૪૮ કલાકની અંદર સાઈટ પરથી તેનો નિકાલ કરવાનો રહેશે.
નવી પોલિસી હેઠળ નાગરિકો, ડેવલપર્સ અને એજન્સીઓએ કડક નિયમોનું અમલીકરણ કરવાનું રહેશે. જેમાં ડિમોલિશન શરૂ કરતા સાત દિવસ અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફોટોગ્રાફ્સ અને મિલકતની વિગતો સાથે લેખિત જાણ કરવી ફરજિયાત છે. સાઈટ પર ડસ્ટ બેરિયર, વિન્ડશિલ્ડ લગાવવા, સતત પાણીનો છંટકાવ કરવો અને આસપાસના રસ્તાઓની સફાઈ રાખવી ફરજિયાત રહેશે. કટિંગ, ગ્રાઇન્ડિંગ અને ડ્રિલિંગ જેવી કામગીરી વખતે ધૂળ નિયંત્રણ પ્રણાલી (ડસ્ટ સપ્રેશન સિસ્ટમ) નો જ ઉપયોગ કરવાનો રહેશે. કામગીરી શરૂ કરતા પહેલાં પાણી, વીજળી અને ગેસ સહિતના જોડાણોની સુરક્ષિત વ્યવસ્થા કરવી પડશે.
ઉપરાંત કાટમાળને અધિકૃત પ્રોસેસિંગ સુવિધા સુધી પહોંચાડવો પડશે અને તેની દૈનિક લોગ બુક નિભાવવી પડશે. હાઈરાઈઝ કે બહુમાળી બાંધકામોના ડિમોલિશન સમયે નોંધાયેલા સ્ટ્રક્ચરલ એન્જિનિયરની પ્રત્યક્ષ હાજરી અનિવાર્ય રહેશે. બેરિકેડિંગ, સેફ્ટી નેટ લગાવવી તથા શ્રમિકોને હેલ્મેટ, સેફ્ટી બૂટ સહિતના જરૂરી સુવિધાયુક્ત સાધનો પૂરા પાડવા પડશે. સાઈટ બહાર ચેતવણી દર્શાવતા બોર્ડ પણ મુકવા પડશે. ડ્રેનેજ, પાણીની લાઈન કે આસપાસની અન્ય મિલકતોને નુકસાન ન થાય તેની કાળજી રાખવી પડશે; જો કોઈ નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી માલિક અને સંબંધિત એજન્સીની રહેશે.
આ નવી ડિમોલિશન પોલિસીમાં પર્યાવરણની જાળવણી માટે રિસાઇકલિંગ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ઊંચી શ્રેણીમાં આવતા મોટા બાંધકામોમાંથી નીકળતા કુલ કાટમાળના ઓછામાં ઓછા 15 ટકા કાટમાળનો પુનઃઉપયોગ (રિસાઇકલ) કરવાનો રહેશે. જોકે, કાટમાળના પુનઃઉપયોગ વખતે નવા બાંધકામની ગુણવત્તા કે સલામતીના માપદંડો સાથે કોઈ બાંધછોડ ન થાય તેની પણ તકેદારી રાખવી પડશે.
અત્રે નોંધનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીપીએમસી એક્ટ, ટાઉન પ્લાનિંગ અધિનિયમ અથવા અન્ય કોઈ કાયદાકીય જોગવાઈઓ હેઠળ અધિકૃત રીતે કરવામાં આવતા સરકારી કે દબાણ હટાવવાના ડિમોલિશનને આ પોલિસીના નિયમોમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ પોલિસીનો કડક અમલ મિલકત માલિકો, ડેવલપર્સ, કોન્ટ્રાક્ટરો, ડિમોલિશન એજન્સીઓ, એએમસી માન્ય એન્જિનિયર્સ, પ્રોજેક્ટ એજન્સીઓ, યુટિલિટી સર્વિસ પ્રોવાઈડર્સ, ટ્રાન્સપોર્ટર્સ અને સી&ડી વેસ્ટ પ્રોસેસિંગ યુનિટ્સ તમામને લાગુ પડશે.