વડોદરા નજીક મહીસાગર નદીના કિનારે આવેલા પ્રખ્યાત કોટના બીચ પર આજે વહેલી સવારે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. ઉનાળાની આકરી ગરમીથી રાહત મેળવવા માટે ન્હાવા પડેલા મિત્રોના જૂથમાંથી બે આશાસ્પદ યુવકોના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા હતા. આ અકસ્માતને પગલે સમગ્ર વડોદરા પંથકમાં અને મૃતકોના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
મળતી વિગત અનુસાર, વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા નવ મિત્રોનું એક જૂથ રવિવારની વહેલી સવારે મહીસાગર નદીના કોટના બીચ પર ન્હાવા માટે પહોંચ્યું હતું. ગરમીના માહોલને કારણે વહેલી સવારે નદીના ઠંડા પાણીમાં ન્હાવાનો આનંદ માણી રહેલા આ મિત્રોને અંદાજ નહોતો કે કાળ તેમને આંબી જશે. ન્હાતી વખતે અચાનક આ જૂથના સભ્યો ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા. જૂથમાં સામેલ નવ પૈકીના કેટલાક મિત્રોને તરતા આવડતું હોવાથી તેઓએ ભારે જહેમત બાદ એકબીજાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને સાત વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. જોકે, કમનસીબે બે યુવકો પાણીના પ્રવાહમાં લાપત્તા થયા હતા.
ઘટનાની જાણ થતા જ આસપાસના સ્થાનિક લોકો અને સહેલાણીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ અંગેની જાણ નંદેસરી પોલીસ અને વડોદરાના વડીવાડી ફાયર વિભાગની ટીમને કરવામાં આવતા, રેસ્ક્યુ ટીમ તાત્કાલિક અત્યાધુનિક સાધનો સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ નદીના ઊંડા પાણીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને ભારે જહેમત બાદ બંને લાપતા યુવકોના મૃતદેહોને બહાર કાઢવામાં સફળતા મળી હતી. મૃતકોની ઓળખ જય સુબોધ જોબલે અને કૃષ્ણા વિજય રાજપુત તરીકે થઈ છે, જેઓ વડોદરાના વતની હતા.
રેસ્ક્યુ ટીમ દ્વારા બંને મૃતદેહોને બહાર કાઢી નંદેસરી પોલીસને સોંપવામાં આવ્યા હતા. પોલીસે પંચનામું કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા અને અકસ્માતે મોતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, કોટના બીચ પર અગાઉ પણ ડૂબી જવાની અનેક દુર્ઘટનાઓ સર્જાઈ ચૂકી હોવા છતાં, અહીં સુરક્ષા વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે. હાલમાં વધતી જતી ગરમીને કારણે મોટી સંખ્યામાં લોકો નદી કિનારે ન્હાવા માટે જતા હોય છે, ત્યારે બીચ પર પૂરતા સુરક્ષા જવાનો કે ચેતવણીના બોર્ડ ન હોવા બાબતે તંત્ર સામે ગંભીર સવાલો ઉભા થયા છે. મિત્રો સાથે ન્હાવા ગયેલા બે નવયુવાનોના મોતથી તેમના પરિવારો પર આભ તૂટી પડ્યું છે.