રૂ. ૨,૦૦૦થી વધુની યુપીઆઈ મારફત થતી વેપારી ચુકવણી પર એમડીઆર લગાવવાના નિર્ણય સામે દેશભરના વેપારી સંગઠનોએ વિરોધનું બ્યૂગલ ફૂંક્યું છે. વિવિધ વેપારી સંગઠનોએ ૨ ઓક્ટોબરે ગાંધી જયંતીના દિવસે દેશભરમાં ‘નો યુપીઆઈ ડે’ મનાવવાની જાહેરાત કરી છે. આ દિવસે વેપારીઓ યુપીઆઈ સ્કેનર, ક્યૂઆર કોડ અને સાઉન્ડ બોક્સ સહિતનાં સાધનો પર કાળું કપડું ઢાંકીને વિરોધ નોંધાવશે.
૧૫ ઓક્ટોબરથી રૂ. ૨,૦૦૦થી વધુની યુપીઆઈ વેપારી ચુકવણી પર ૦.૪૦ ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે એમડીઆર લાગુ થવાનો છે. આ ચાર્જની મહત્તમ મર્યાદા રૂ. ૩૦૦ રાખવામાં આવી છે. વ્યક્તિથી વ્યક્તિ વચ્ચે થતા યુપીઆઈ વ્યવહારો પર કોઈ ચાર્જ લાગશે નહીં.
નાના વેપારીઓને પણ હાલ આ ચાર્જમાંથી બહાર રાખવામાં આવ્યા છે. મહિને રૂ. એક લાખ સુધીની યુપીઆઈ ચુકવણી મેળવતા નાના વેપારીઓને આવરી લેતા પી૨પીએમ વ્યવહારો પર એમડીઆર નહીં લાગે. આમ છતાં દેશના વેપારી સંગઠનોનું કહેવું છે કે ડિજિટલ વ્યવહારો પર ફરી ચાર્જનો દરવાજો ખોલવામાં આવ્યો છે અને તેનો બોજ આખરે વેપાર વ્યવસ્થા પર પડશે.
મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, ઇન્ડસ્ટ્રી એન્ડ એગ્રીકલ્ચરે ૨ ઓક્ટોબરે ‘નો યુપીઆઈ ડે’ મનાવવાનું આહ્વાન કર્યું છે. ચેમ્બરના પ્રમુખ રવીન્દ્ર મંગાવેએ જણાવ્યું કે દેશભરના વેપારી સંગઠનો સાથે ચર્ચા કરવામાં આવી છે અને વિરોધ માત્ર મહારાષ્ટ્ર પૂરતો મર્યાદિત નહીં રહે. ચેમ્બર સાથે જોડાયેલા લગભગ ૫૦૦ સંગઠનો પણ આ વિરોધમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે.
ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર એસોસિએશન, ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ડિસ્ટ્રિબ્યુટર્સ ફેડરેશન, ઓલ ઇન્ડિયા મોબાઇલ રિટેલર્સ એસોસિએશન, ઓલ ઇન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશન અને ઓલ ઇન્ડિયા એડિબલ ઓઇલ ટ્રેડર્સ ફેડરેશન સહિતનાં સંગઠનોએ પણ આ આંદોલનને ટેકો આપ્યો છે.
વેપારી સંગઠનોની દલીલ છે કે યુપીઆઈને કારણે રિટેલ વેપારનો મોટો હિસ્સો પારદર્શક બન્યો છે. ગ્રાહક પાસેથી વેપારી, વેપારી પાસેથી જથ્થાબંધ વિક્રેતા અને ત્યાંથી ઉત્પાદક સુધીની ચુકવણી હવે ડિજિટલ રીતે થઈ રહી છે. આવી સ્થિતિમાં ડિજિટલ વ્યવહારનો વધારાનો ખર્ચ વેપારી પર નાખવો યોગ્ય નથી.
યુપીઆઈમાં રૂ. ૨,૦૦૦થી વધુની ચુકવણીનો હિસ્સો પણ ઘણો મોટો છે. ઓગસ્ટમાં વેપારીઓને યુપીઆઈ દ્વારા કુલ રૂ. ૮.૯૫ લાખ કરોડની ચુકવણી થઈ હતી અને તેમાં મૂલ્યની દૃષ્ટિએ લગભગ ૬૭ ટકા ચુકવણી રૂ. ૨,૦૦૦થી વધુની હતી.
વેપારી સંગઠનોએ ચેતવણી આપી છે કે સરકાર એમડીઆર અંગે યોગ્ય નિર્ણય નહીં લે તો ૨ ઓક્ટોબર પછી આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે. આગળના વિરોધની રણનીતિ પણ દેશભરના વેપારી સંગઠનો સાથે મળીને નક્કી કરવામાં આવશે.