BREAKING NEWS

કુખ્યાત અલ્પેશ દોંગાએ ખેડૂતને 7 લાખ વ્યાજે આપ્યા, બાદમાં રૂ.64 લાખ પડાવી લીધા

  • October 28, 2026 12:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કુખ્યાત ભુમાફિયા અલ્પેશ દોંગા સામે વધુ એક ગુનો દાખલ થયો છે. કોટડાસાંગાણીના જૂની મેંગણી ગામના ખેડૂતને સાત લાખ રૂપિયા પાંચ ટકા વ્યાજે આપી સિક્યુરિટી પેટે જમીનનો સાટાખત કરાવી દેવાનું કહી અલ્પેશ દોંગાએ જમીનનો દસ્તાવેજ કરાવી લીધો હતો. બાદ સાત લાખનું વ્યાજ સહિત રૂ. 32 લાખ આપવા પડશે તેમ કહી બે એકર જમીનમો પોતાના સંબંધીના નામે દસ્તાવેજ કરાવી લઇ એક પણ રૂપિયો ચૂકવ્યો ન હતો. ખેડૂતે પૈસાની માંગણી કરતા ધમકી આપી હતી.


કોટડાસાંગાણીના જૂની મેંગણી ગામે રહેતા ખેડૂત ધર્મેન્દ્રભાઇ ઉર્ફે ધમો પ્રેમજીભાઈ ભાલોડી(ઉ.વ.૫૦) એ આરોપી તરીકે અલ્પેશ ગોપાલભાઈ દોંગા (રહે. શગુન એલીગન્સ, નાના મવા રોડ, રાજકોટ)નું નામ આપી જણાવ્યું હતું કે, તેમની વડીલોપાર્જીત -૧૧ વીઘા ખેતીની જમીન જુની મેંગણી ગામની સીમમાં છે. જેના સર્વે નં.૬૧૪ પ છે.


ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2018 માં તેમની તબિયત સારી રહેતી ન હોય અને પુત્રોના અભ્યાસ તેમજ ઘરખર્ચ માટે પૈસાની જરૂર પડતા તેમણે પટેલ ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટની જાહેરાત જોઇ હોય જેથી અહીં ગયા હતા. જયા તેણે 5 ટકા વ્યાજે લોન આપવાની અને સિક્યુરિટી પેટે મારી જમીનનો દસ્તાવેજ કરી દેવાની શરતે પ્રથમ બે લાખ અને ત્રણ મહિના બાદ પાંચ લાખ આપ્યા હતા. તથા ખેડૂત પાસે મારી 11 વીઘા જમીનનું સાટાખત વિક્રમભાઈ ગોવિંદભાઈ ડાંગર (રહે.વેજાગામ,રાજકોટ) તથા મૌલીક નરશીભાઇ શેખલીયા (રહે. ઢોકળીયા, પડધરી)ના નામે કરાવી લીધુ હતું. પૈસા પરત આપ્યે જમીનનો સાટાખત રદ્દ કરી દેવાનું અલ્પેશ દોંગાએ જણાવ્યું હતું. સાટાખતની મુદ્દત પૂર્ણ થતાં અલ્પેશ દોંગાએ કહ્યું હતું કે, તમે મારા રૂપિયા પરત આપી દો નહીંતર ફરી વાર જમીનનો સાટાખત કરી આપવો પડશે. ખેડૂત પાસે પૈસાની સગવડતા ન હોવાથી ફરીવાર સાટાખત કરી આપવાનું કહેતા અલ્પેશ દોંગાએ મારી ૧૧ વીઘા જમીન વિક્રમભાઈ ડાંગરના ભાઈ અરવિંદભાઈ ડાંગર (રહે.વેજાગામ,રાજકોટ)ના નામે છેતરપિંડીથી દસ્તાવેજ કરાવી લીધો હતો.

બાદ વર્ષ 2021 માં અલ્પેશ દોંગાએ તેના મળતીયા જયેશભાઇને ખેડૂત પાસે મોકલતા તેણે કહ્યું હતું કે, તમે લીધેલા પૈસા વ્યાજ સહિત રૂ. 32 લાખ પરત આપી દો નહીંતર અલ્પેશભાઈ અથવા તે કહે તેના નામે તમારી જમીનનો દસ્તાવેજ કરી આપો, વિક્રમ ડાંગર પાસે રહેલો દસ્તાવેજ અમે રદ્દ કરાવી નાખીશું. જેથી ખેડૂતે કહ્યું હતું કે, મે મારી જમીનનો દસ્તાવેજ કરી આપ્યો નથી, સિક્યુરિટી પેટે સાટાખત કર્યું હતુ. જેથી જયેશે કહેલ કે, તમે જમીનનો દસ્તાવેજ કરી દીધેલ છે, ખેડૂતે અલ્પેશ દોંગા સાથે ફોનમાં વાત કરતા તેણે કહેલ કે, તમને આપેલ પૈસા હવે વ્યાજ સહીત રૂ. 32 લાખ થઇ ગયેલ છે, તે પરત આપી દો અને તમારી બે એકર જમીન મને લખી આપો. જે જમીનની એક એકરનો ભાવ હું 32 લાખ લેખે ચૂકવીશ. જેથી તમારે મને આપવાના રૂ. 32 લાખ બાદ કરી હું તમને રૂ. 32 લાખ ચૂકવી આપીશ. ખેડૂત પાસે પૈસાની વ્યવસ્થા નહિ હોવાથી બે એકર જમીન લખી આપવાની હાં પાડી હતી. બાદ અલ્પેશ દોંગાએ તેમની બે એકર જમીનનો દસ્તાવેજ તેના સંબંધી ધવલભાઈના સાળા નૈમીષભાઈ વિજયભાઈ મેઘાણીના નામે કરાવી લીધો હતો. તેણે કહ્યું હતું કે, તમારા રૂ. 32 લાખ મારી મની પ્લસ શરાફી મંડળીમાં જમા છે, તમારે જયારે પૈસા જોતા હશે ત્યારે હું તમને આપી દઈશ અને જયા સુધી પૈસા મારી પાસે હશે તેનું દર મહિને હું એક ટકો વ્યાજ ચૂકવીશ. જેથી ખેડતે હા કહી હતી.


દરમિયાન અરવિંદ ડાંગરે વકીલ મારફતે એક નોટીસ મોકલી હતી. જેમાં લખ્યું હતું કે, તમે તમારી જમીનનો દસ્તાવેજ વર્ષ 2019 મને કરી આપેલ છે તો પછી તમે તે જમીનનો દસ્તાવેજ અન્યને કેમ કરી શકો? હું તમારા અને નૈમિષ મેઘાણીના નામે કાયદેસરની કાર્યવાહી કરીશ. જેથી ખેડૂત વિક્રમ ડાંગરને મળતા તેણે કહ્યું હતું કે, હું અલ્પેશ દોંગા પાસે એક કરોડ માંગુ છું. જેની સિક્યુરિટી પેટે અલ્પેશ દોંગાએ મને તમારી જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હતો. જેથી હવે તમારે તમારી બાકી રહેલી છ વીઘા જમીનનો દસ્તાવેજ મને કરી આપવો પડશે. જેથી ખેડૂતે છ વીઘા જમીનનો દસ્તાવેજ વિક્રમ ડાંગરને કરી આપ્યો હતો.


બાદમાં અલ્પેશ દોંગાને વાત કરતા તેણે ધમકી આપી હતી. જેથી અલ્પેશ દોંગાએ સાત લાખ વ્યાજે આપી બે એકર જમીનનો દસ્તાવેજ કરાવી લઇ રૂ. 64 લાખ પડાવી લેતા ખેડૂતે લોધિકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application