કેન્દ્ર સરકારે દેશમાં નાગરિકતા આપવાની પ્રક્રિયામાં મહત્વનો ફેરફાર કર્યો છે. ગૃહ મંત્રાલયે નાગરિકતા નિયમોમાં સુધારો કરીને છ સરહદી રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના જિલ્લા કલેક્ટરોને નાગરિકતા આપવાની સત્તા આપી છે. નવા નિયમો હેઠળ સંબંધિત જિલ્લા કલેક્ટર નાગરિકતા માટે મળતી અરજીઓ સ્વીકારી શકશે, દસ્તાવેજોની ચકાસણી કરી શકશે, અરજદારની પાત્રતા નક્કી કરી શકશે અને તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને નાગરિકતા પણ આપી શકશે.
ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નાગરિકતા (ત્રીજો સુધારો) નિયમો, 2026 હેઠળ આ નવી વ્યવસ્થા ગુજરાત, રાજસ્થાન, પંજાબ, પશ્ચિમ બંગાળ, આસામ, ત્રિપુરા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં લાગુ થશે. જોકે, આસામ અને ત્રિપુરાના જનજાતીય વિસ્તારોને આ વ્યવસ્થામાંથી બહાર રાખવામાં આવ્યા છે.
આ ફેરફારનો મુખ્ય હેતુ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના બિન-મુસ્લિમ લઘુમતી સમુદાયોને ભારતીય નાગરિકતા આપવાની પ્રક્રિયામાં થતો વિલંબ ઘટાડવાનો છે. નવા નિયમો નાગરિકતા અધિનિયમની કલમ 6-બી હેઠળ નોંધણી અથવા નેચરલાઇઝેશન માટે કરવામાં આવતી અરજીઓ પર લાગુ થશે.
નવા નિયમો બાદ અરજદારો સંબંધિત વિસ્તારના જિલ્લા કલેક્ટર સમક્ષ ઇલેક્ટ્રોનિક રીતે અરજી કરી શકશે. અરજી મળ્યા બાદ કલેક્ટર ઇલેક્ટ્રોનિક રીતે ફોર્મ-9માં તેની પાવતી આપશે.
ત્યારબાદ કલેક્ટર અરજદાર દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોની ચકાસણી કરશે. જરૂર જણાય તો અરજદારની પાત્રતા અને યોગ્યતા અંગે વધુ તપાસ પણ કરી શકાશે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કલેક્ટર નાગરિકતા અધિનિયમની બીજી અનુસૂચિ મુજબ અરજદારને નિષ્ઠાની શપથ લેવડાવશે.
અરજદારને યોગ્ય તક આપવામાં આવ્યા છતાં જો તે વ્યક્તિગત રીતે હાજર રહીને અરજી પર હસ્તાક્ષર ન કરે અથવા નિષ્ઠાની શપથ લેવા હાજર ન થાય, તો તેની અરજી નામંજૂર થઈ શકે છે.
અત્યાર સુધી CAA હેઠળ નાગરિકતા આપવાની સત્તા સશક્ત સમિતિ અને જિલ્લા સ્તરની સમિતિ પાસે હતી. હવે ગુજરાત સહિત આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કલમ 6B હેઠળ પેન્ડિંગ તમામ અરજીઓ સંબંધિત જિલ્લા કલેક્ટરને ટ્રાન્સફર કરવામાં આવશે.
કેન્દ્ર સરકારે નાગરિકતા નિયમોના વિવિધ ફોર્મ અને જોગવાઈઓમાં પણ જરૂરી ફેરફાર કર્યા છે. કેટલાક ફોર્મ હવે સંબંધિત જિલ્લા કલેક્ટર સમક્ષ જમા કરાવવાના રહેશે.
ગૃહ મંત્રાલયે 19 ઓગસ્ટે અલગ આદેશ પણ જાહેર કર્યો હતો, જેમાં સશક્ત સમિતિ અને જિલ્લા સ્તરની સમિતિ પાસે પેન્ડિંગ કલમ 6બીની અરજીઓને સંબંધિત કલેક્ટર પાસે ટ્રાન્સફર કરવાની જોગવાઈ કરવામાં આવી છે. નવા ફેરફારથી નાગરિકતા આપવાની પ્રક્રિયા વધુ ઝડપી અને સ્થાનિક સ્તરે સરળ બનવાની અપેક્ષા છે.