BREAKING NEWS

રોગચાળો વકર્યો, જામનગરમાં ૭ દી’માં તાવના ૨૨૯, ઝાડા-ઉલ્ટીના ૮૫ કેસ

  • August 20, 2026 05:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રોગચાળો વકર્યો, જામનગરમાં ૭ દી’માં તાવના ૨૨૯, ઝાડા-ઉલ્ટીના ૮૫ કેસ

ગત મહીનામાં ડેન્ગ્યુના ૩ કેસ નોંધાયા: કમળો, કોલેરા સહીત પાણીજન્ય રોગના કેસમાં પણ વધારો: દર્દીઓથી ઉભરાતી ખાનગી-સરકારી હોસ્પિટલ

જામનગરમાં વાયરલ અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. કારણ કે, ૭ દીવસમાં શહેરમાં તાવના ૨૨૯ અને ઝાડા-ઉલ્ટીના ૮૫ કેસ મનપાના ચોપડે નોંધાયા છે. ગત મહીનામાં શહેરમાં ડેન્ગ્યુના ૩ કેસ નોંધાયા છે. કમળો, કોલેરા સહીત પાણીજન્ય રોગના કેસમાં પણ વધારો થયો છે. ઘેર ઘેર વાયરલ રોગના કેસથી ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. મનપાના આરોગ્ય વિભાગે કરેલા સર્વેમાં ૧૯૩૫ ઘરમાં અને ૨૦૮૮ પાણીના પાત્રમાં મચ્છરોના પોરા મળી આવ્યા હતાં.

જામનગરમાં છેલ્લા થોડા દીવસોથી મચ્છર અને પાણીજન્ય તથા સાથે વાયરલ રોગચાળો વકર્યો છે. જેના કારણે ઘેર-ઘેર તાવ,શરદી,ઉધરસના કેસ જોવા મળી રહ્યા છે. વાયરલ રોગચાળો ચેપી હોય ઘરના એક સભ્યને થતા અન્ય સભ્યને પણ થવાની સંભાવના ખૂબજ વધી જાય છે. આથી તકેદારી જરૂરી છે. બીજી બાજુ જામનગર મ્યુ. કોર્પોરેશનની આરોગ્ય શાખા હેઠળના મેલેરીયા વિભાગે  ગત સપ્તાહ દરમ્યાન ૧૩ આરોગ્ય કેન્દ્રો હેઠળના વિસ્તારમાં છેલ્લા થોડા દિવસોમાં કરેલી મચ્છરજન્ય રોગચાળા વિરોધી કરેલી ઝુંબેશ દરમિયાન તંત્રની ટીમોને તાવના ફલૂ અને ઝાડા-ઉલ્ટીના ૮૫ કેસો મળી આવ્યા છે. તેમજ તંત્રની ટીમોએ મચ્છરોની ઉત્પત્તિ થતાં પહેલા જ નાથવાની કામગીરી પણ કરી હતી. તંત્રની ૨૩૩ ટીમોએ ૯૭,૨૪૪ ઘરોનો સર્વે કર્યો હતો. જેમાં ૧૯૩૫ ઘરોમાં મચ્છરોના પોરાની ઉત્પત્તિ જોવા મળી હતી. આ ઉપરાંત ટીમો દ્વારા પાણી ભરવાના કુલ ૪,૭૨,૫૦૭ પાત્રોની ચકાસણી કરવામાં આવી હતી. આવા પાત્રોમાંથી ૨૦૮૮ પાત્રોમાં પણ મચ્છરોના પોરાની ઉત્પત્તિ જોવા મળી હતી.  તેથી તંત્રએ આ પાત્રો ઉપરાંતના અન્ય મળીને ૨૧૮૪ પાત્રોનો નાશ કરાવ્યો હતો. ઉપરાંત કુલ ૪૫,૮૧૨ પાત્રોમાં એબેટ નામની મચ્છર વિરોધી દવા નાંખી હતી. 

આટલું જ નહીં ગત મહીનામાં શહેરમાં ડેન્ગ્યુના ૩ કેસ નોંધાયા હતાં. શહેરમાં મહદઅંશે વાદળછાયું વાતાવરણ રહેતું હોય આ વાતાવરણ મચ્છરોને અનુકુળ હોય મચ્છરોનો ઉપદ્વવ વઘ્યો છે. જેના કારણે મેેલેરીયા, ડેન્ગ્યુના કેસ પણ વઘ્યા છે. બીજી બાજુ ચોમાસાની સીઝનમાં પાણીજન્ય રોગચાળાએ પણ માથું ઉચકયું છે. આથી કમળાના કેસ પણ વઘ્યા છે. હાલમાં ઘેર ઘેર વાયરલ અને પાણીજન્ય રોગના કેસના કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની કતારો જોવા મળી રહી છે. અત્રે નોંધનીય છે કે, મનપાની આરોગ્ય શાખા દ્વારા તાવ અને ઝાડા-ઉલ્ટી સિવાય અન્ય રોગના આંકડા કેમ છુપાવવામાં આવે છે તે એક સળગતા સવાલની સાથે તપાસનો વિષય બન્યો છે. મચ્છરજન્ય રોગચાળાથી બચવા ઘરની અંદર અને બહાર પાણી ભરાઇ રહેવા ન દેવું, પાણીની ટાંકી, ડ્રમ,કુલર,માટલા ઢાંકીને રાખવા, દર સપ્તાહે ફુલદાની અને અન્ય પાણીના પાત્ર સાફ કરવા હીતાવહ છે.

જયારે પાણીજન્ય રોગચાળાથી બચવા માત્ર ઉકાળેલું, કલોરીનેટેડ અથવા શુઘ્ધ પાણી જ પીવું, ભોજન પહેલા અને શૌચાલયના ઉપયોગ બાદ સાબુથી હાથ ધોવા, ખુલ્લામાં મળતા કાપેલા ફળ, અસ્વચ્છ ખાઘપદાર્થો અને બિનઆરોગ્યપપ્રદ પીણાનું સેવન ટાળવું, ઝાડ-ઉલ્ટી અથવા કમળા કે તાવ આવે તો તાકીદે આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application