BREAKING NEWS

નાગપાંચમે સમગ્ર ગામની મહિલાઓએ નાગદેવતાની પૂજા કરવામાં આવી

  • September 02, 2026 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સંત અને શૂરાની ભૂમિ સૌરાષ્ટ્રમાં પશુ, પક્ષી તેમજ જળચરોને પણ ભગવાન સ્વરૂપે પૂજવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે. આવી જ એક અનોખી ધાર્મિક પરંપરા યાત્રાધામ વીરપુરમાં આજે પણ જીવંત છે. વીરપુર ગામની મધ્યમાં રાજાશાહી વખતનું પૌરાણિક શ્રી આહપાદાદા નાગદેવતાનું મંદિર આવેલું છે, જ્યાં શ્રાવણ માસની નાગપાંચમના દિવસે સમગ્ર ગામના લોકો શ્રદ્ધાપૂર્વક પૂજન કરે છે.સ્થાનિક વયોવૃદ્ધોના જણાવ્યા મુજબ, વર્ષો પહેલાં અહીં નાગદેવતાનો પાળિયો ખુલ્લી જગ્યામાં હતો. સમય જતાં સ્થાનિક લોકો તેમજ શ્રી આહપાદાદા મિત્ર મંડળના યુવાનોએ પાળિયા ઉપર મંદિરનું નિર્માણ કરાવ્યું. આજે આ સ્થળ વીરપુરની ધાર્મિક અને લોકપરંપરાનું મહત્વનું કેન્દ્ર બન્યું છે..નાગપાંચમના દિવસે વીરપુરના વિવિધ સમાજની મહિલાઓ મોટી સંખ્યામાં શ્રી આહપાદાદાના દર્શન અને પૂજન માટે આવે છે. મહિલાઓ દ્વારા નાગદેવતાને કુલેર, તલવટ તેમજ રૂમાંથી બનાવેલા નાગલા ધરાવવાની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. પરિવારના મોભી દ્વારા પૂજન કર્યા બાદ જ અન્ન ગ્રહણ કરવાની પરંપરા પણ અનેક પરિવારોમાં જોવા મળે છે.ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા વીરપુર પંથકમાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પૂરતા વરસાદના અભાવે ખેતરોમાં વાવેલા પાકો મુર્જાવા લાગ્યા છે. ત્યારે નાગપાંચમના પાવન દિવસે વીરપુરની મહિલાઓએ શ્રી આહપાદાદા નાગદેવતાની શ્રદ્ધાપૂર્વક પૂજા કરી મેઘરાજા મન મૂકીને વરસે, વરસાદથી ધરતી તરબતર થાય અને ખેડૂતોના મુર્જાતા પાકને નવજીવન મળે તેવી પ્રાર્થના કરી હતી.ખેડૂતોના પાક માટે સારા વરસાદની આશા સાથે મહિલાઓએ આહપાદાદાના ચરણે શ્રદ્ધા વ્યક્ત કરી હતી. વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં આ વર્ષે વરસાદ માટેની પ્રાર્થનાએ વિશેષ ભાવનાત્મક માહોલ સર્જ્યો હતો.શ્રી આહપાદાદાને દર વર્ષે તલમાંથી બનાવેલી વિશાળ માત્રામાં તલવટનો પ્રસાદ ધરાવવામાં આવે છે. શ્રી આહપાદાદા મિત્ર મંડળના આશરે ૪૦ યુવાનોની ટીમ દ્વારા આ પ્રસાદ ઘરે-ઘરે પહોંચાડી સમગ્ર ગામમાં વિતરણ કરવામાં આવે છે. સ્થાનિક માન્યતા મુજબ આ પ્રસાદનો મહિમા વિશેષ છે.ખેડૂતો પણ આ પ્રસાદ પોતાના ખેતરના શેઢે વેરે છે અને લોકમાન્યતા મુજબ તેનાથી ખેતી દરમિયાન સાપ કે અન્ય જીવજંતુઓથી રક્ષણ મળે છે. આ લોકઆસ્થા આજે પણ વીરપુરના ગ્રામ્ય જીવન સાથે ગાઢ રીતે જોડાયેલી છે.નાગપાંચમના દિવસે મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભક્તોની અવરજવર શરૂ થઈ જાય છે અને દિવસભર નાગદેવતાના દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. મંદિરની આસપાસ મેળા જેવો માહોલ સર્જાય છે.આમ, આધુનિક યુગમાં પણ વીરપુરમાં શ્રી આહપાદાદા નાગદેવતાની પૂજા, તલવટ-કુલેરનો પ્રસાદ અને રૂના નાગલા ધરાવવાની વર્ષો જૂની પરંપરા આજે પણ અકબંધ છે. આ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતોના પાક મુર્જાઈ રહ્યા છે ત્યારે નાગપાંચમના દિવસે મહિલાઓએ આહપાદાદાના ચરણે કરેલી વરસાદ માટેની પ્રાર્થના વીરપુરની શ્રદ્ધા, લોકપરંપરા અને ખેડૂતોની આશાનું પ્રતીક બની છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application