રાજકોટમાં કારની ઠોકરે બે બાળકો ચડ્યા, એકનું કરુણ મોત; શ્રમિક પરિવાર પર આભ તૂટી પડ્યું
રાજકોટમાં કારની ઠોકરે બે બાળકો ચડ્યા, એકનું કરુણ મોત; શ્રમિક પરિવાર પર આભ તૂટી પડ્યું
October 13, 2026 11:44 AM
રાજકોટના રેલનગરમાં આવેલી પ્રભાવ બાંધકામ સાઈટ ઉપર કામ કરતા શ્રમિક પરિવારના બે બાળકોને સાઈટના માલિકે કારે ઠોકરે લેતા બંનેને ઇજા થવાથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેમાં પાંચ વર્ષના બાળકનું ગંભીર ઇજા થવાથી કરુણ મોત નિપજતા પરિવારમાં આક્રંદ સર્જાયો હતો. બનવાને પગલે પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી છે.
બનાવની મળતી વિગત મુજબ મૂળ એમપીના અને હાલ રેલનગરમાં ભારત ગેસના ગોડાઉન પાસે આવેલી પ્રભાવ બાંધકામ સાઈટ ઉપર કડિયાકામની મજૂરી કરતા અને ત્યાંજ બાળકો સહિતના પરિવાર સાથે રહેતા વિક્રમભાઈ અભેસિંગભાઈ બિલવાલની દીકરી અસ્મિતા (ઉ.વ.9) અને દીકરો યુવરાજ (ઉ.વ.પાંચ) બંને સાઈટના ગેઇટ પાસે મોબાઈલમાં વિડીયો જોતા હતા ત્યારે પ્રભાવ સાઈટના માલિક જય નવીનભાઈ ત્રિવેદી પોતાની એકસયુવી કાર જીજે-03-એન.પી.6579 લઈને ગેઇટની અંદર આવતા હતા ત્યારે બંને બાળકોને અડફટે લેતા યુવરાજને માથામાં ગંભીર ઇજા થઇ હતી જયારે બાળકી અસ્મિતાને છોલછાલ થઇ હતી. બનાવની જાણ ત્યાં કામ કરતા માતા-પિતાને થતા દોડી આવ્યા હતા અને સાઈટના માલિક તેની કારમાં પ્રથમ સિનર્જી હોસ્પિટલ અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે યુવરાજને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્રદ્યુમન નગર પોલીસને કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતકના પિતા વિક્રમભાઈની ફરિયાદ પરથી સાઈટના માલિક જય નવીનભાઈ ત્રિવેદી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.