રાજકોટમાં કુવાડવા રોડ પર ડી માર્ટ પાછળ આવેલી શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં રહેતા પરિવારની અઢી વર્ષની બાળકી પાંચમા માળેથી પડી જતા મોત નિપજયાના બનાવમાં બાળકીને કોઈએ ઉંચકીને નીચે ફેંકી દઈ હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ જણાઈ રહ્યું છે. બનાવના પગલે પરિવારમાં અને સમગ્ર ટાઉનશીપમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ કુવાડવા રોડ પર ડી-માર્ટ પાછળ સી-વિંગમાં પાંચમા માળે ફલેટ નં. ૫૦૪માં રહેતાં જગદીશભાઈ બાબુભાઈ પરસોડાની દોહીત્રી સ્નેહલ સંજયભાઈ સાકરીયા (ઉ.વ.2.5 )વર્ષનું પાંચમા માળેથી નીચે પટકાતા ગંભીર ઈજાઓ થઇ હતી. ઘટનાની જાણ પરિવાર અને રહેવાસીઓને થતા નીચે દોડી ગયા હતા અને તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ ત્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં આક્રંદ સર્જાયો હતો. બનાવની જાણ બી ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસ બનાવ સ્થળે અને હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું.
બાળકી છઠા માળેથી નીચે પટકાઈ હતી એ દીવાલ ચાર ફૂટ જેટલી ઉંચી હોવાથી અઢી વર્ષની બાળકી ઉપર ચડી શકે નહિ આથી તેને કોઈએ ઉંચકી ને નીચે ફેંકી દીધી હોવાની શંકાના આધારે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે બાળકીના નાના જગદીશભાઇ ૫રસોડાના જણાવ્યા મુજબ મારી દિકરી પૂનમબેન સંત કબીર રોડ રાજારામ સોસાયટી પાસેની શક્તિ સોસાયટીમાં સાસરે છે. તેણીના લગ્ન ત્રણ વર્ષ પહેલા સંજયભાઇ વશરામભાઇ સાકરીયા સાથે થયા છે. તેણીને સંતાનમાં એક દિકરી સ્નેહલ હતી. જેની ઉમર બે વર્ષ અને ચાર મહિના હતી. દીકરી જમાઈ વચ્ચે મનમેળ ન હોવાથી દીકરી એક વર્ષથી પુત્રી સ્નેહલને લઈને મારા ઘરે રહેતી હતી.
વધુમાં જગદીશભાઈના કહેવા મુજબ છેલ્લા કેટલાક દિવસથી અમારી ટાઉનશીપમા અજીબ બનાવો બની રહ્યા છે. અમારી વિંગમાં કપડા બહાર સુકવ્યા હોય કે બહાર બુટ ચપ્પલ રાખ્યા હોય તો એ કોઈ લઈને બહાર ફેંકી દે છે, જયારે દોહીત્રીનો બનાવ બન્યો એ પહેલા અમારી બાજુમાં રહેતા વર્ષાબેનના ફુલછોડના બે કુંડા કોઇએ નીચે ફેંકી દીધા હતાં. કદાચ દોહિત્રી આ જોઈ ગઈ હોય અને કોઈ વિકૃત શખસે તેને ઉઠાવી ને ફેંકી દીધી હોય તેમ લાગી રહ્યું છે.
વિંગમાં કે આસપાસમાં સીસીટીવી કેમેરા પણ ન હોવાથી પોલીસ માટે પણ પણ ઘટના પડકાર રૂપ બની છે. પોલીસે આગળની તપાસ યથાવત રાખી પુછપરછ હાથ ધરી છે