૨૫ લાખની વસતી ધરાવતા રાજકોટ શહેરના મુખ્ય જળ સ્ત્રોત આજી અને ન્યારી ડેમમાં સૌની યોજનાનું નર્મદાનીર બંધ થયાને એક મહિનો પૂર્ણ થયો છે તેમ છતાં હવે ફરી ક્યારથી નર્મદાનીર અપાશે તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. એક બે દિવસમાં શરૂ થશે તેવી વાતો વચ્ચે ડેમમાં સૌની યોજનાનું નર્મદાનીર છોડવાનું બંધ થયાને ૩૩ દિવસ પૂર્ણ થયા છે.
રાજકોટ શહેરની જીવાદોરી સમાન આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં ગત તા.૨૬ સપ્ટેમ્બર ૨૦૨૬થી સૌની યોજનાનું નર્મદાનીર ઠાલવવાનું બંધ કર્યાને આજે તા.૨૯ ઓક્ટોબરે ૩૩ દિવસ વિતી ગયા છે તેમ છતાં ગેરંટીપૂર્વક કોઈ કહેતું નથી કે રાજકોટના ડેમોમાં ફરી નર્મદા નીર ઠાલવવાનું ક્યારથી શરૂ કરવામાં આવશે. જ્યારે પણ સત્તાવાર કે બિનસત્તાવાર રીતે પૃચ્છા થાય ત્યારે એકાદ બે દિવસમાં શરૂ કરાશે તેવા જવાબો મળી રહ્યાનું જાણવા મળે છે.
રાજકોટ શહેરની ૨૫ લાખની વસતી માટે પ્રતિ દિવસ ૪૭૦ એમ.એલ.ડી પાણીની જરૂરિયાત રહે છે જેમાં આજી-૧ ડેમમાંથી ૧૪૦ એમએલડી, ન્યારી-૧ ડેમમાંથી ૧૬૦ એમએલડી, ભાદર-૧માંથી ૩૫ એમએલડી તેમજ પાઈપલાઈન મારફતે મળતા નર્મદનીરમાંથી ૧૩૫ એમએલડી મળીને કુલ ૪૭૦ એમએલડી પાણી મળી રહે છે. જો હવે વ્હેલી તકે આજી અને ન્યારીમાં સૌની યોજનાનું પાણી ઠાલવવાનું શરૂ નહીં કરાય તો બન્ને ડેમમાંથી પાણીનો ઉપાડ ઘટાડવો પડે તેવી સ્થિતિ નિર્માણ થશે.
ખાસ કરીને રાજકોટ શહેર ઉપરાંત જેતપુર સહિત અનેક ગામોને પીવાનું પાણી પૂરૂં પાડતા ભાદર-૧ ડેમમાં સૌની યોજનાનું નર્મદાનીર ઠલવાશે કે નહીં ? અને જો ઠલવાશે તો ક્યારથી ઠલવાશે તે અંગે પણ કોઇ સ્પષ્ટ જાહેરાત કરાઇ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે જો હવે વ્હેલી તકે આજી, ન્યારી ડેમમાં નર્મદાનીર ઠાલવવાનું શરૂ નહીં કરાય તો દિવાળી કે નૂતન વર્ષના પ્રારંભે શહેરના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ ખોરવાય તેવું બની શકે છે.
રાજકોટના જળાશયોની આજની સ્થિતિ
આજી-1: 20 ફૂટ
ન્યારી-1: 14.90 ફૂટ
ભાદર-1: 15.70 ફૂટ