BREAKING NEWS

પાણીના ટીપા માટે ટળવળતા લાલપુર પંથકના ખેડૂતો: ગંભીર સ્થિતિ

  • October 29, 2026 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: પાણીના ટીપા માટે ટળવળતા લાલપુર પંથકના ખેડૂતો: ગંભીર સ્થિતિ

જળસંકટ ઘેરું બન્યું: શહેરમાં ૩-૪ દિવસે પાણી વિતરણ, ગ્રામ્ય વિસ્તારો ટેન્કરના ભરોસે: ખેડૂતો પાક નિષ્ફળ જતાં સહાય વધારવાની માંગ સાથે મેદાને
​​​​​​​
લાલપુર શહેર અને તાલુકામાં હાલ પાણીની ગંભીર સમસ્યા સર્જાતાં શહેરીજનો, ગ્રામજનો અને ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. આ વર્ષે નહિવત વરસાદ પડવાના કારણે જળસ્રોતોમાં પાણીની અછત સર્જાઈ છે, જેના કારણે પીવાના પાણીની વ્યવસ્થા સાથે ખેતી ઉપર પણ માઠી અસર પડી છે. એક તરફ લાલપુર શહેરમાં નગરપાલિકા દ્વારા ત્રણથી ચાર દિવસે પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે, તો બીજી તરફ તાલુકાનાં ગામડાંઓમાં પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે સરકારી તંત્ર દ્વારા ટેન્કરોની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ, હાલ અનેક ગ્રામ્ય વિસ્તારોના લોકો પીવાના પાણી માટે ટેન્કર પર નિર્ભર બન્યા છે.

વરસાદની અછત અને આકરા તાપના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું હોવાની સ્થિતિ સામે આવી રહી છે. પૂરતા પ્રમાણમાં પાણી ન મળતાં ખેતરોમાં ઉભેલા પાક સુકાઈ ગયા છે, જ્યારે અનેક સ્થળોએ જમીન સૂકાઈને ફાટી ગઈ છે. વરસાદના અભાવે પાક નિષ્ફળ જતાં ખેડૂતોની આવક ઉપર ગંભીર અસર પડી છે. ખેતીના ખર્ચ, બિયારણ, ખાતર અને અન્ય ખર્ચાઓ કર્યા બાદ પણ પાક હાથમાં ન આવતાં ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. ખેતી પર નિર્ભર પરિવારો માટે ઘરખર્ચ અને આર્થિક જવાબદારીઓ નિભાવવી પણ મુશ્કેલ બની રહી છે.

ખેડૂતોની મુશ્કેલીઓ વચ્ચે સરકાર દ્વારા દુષ્કાળની સ્થિતિમાં સહાય જાહેર કરવામાં આવી હોવા છતાં સહાયની રકમ અને તેની મર્યાદાને લઈને ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, હાલ હેક્ટરદીઠ રૂ. ૮,૫૦૦ની સહાય નક્કી કરવામાં આવી છે અને તે પણ મહત્તમ બે હેક્ટરની મર્યાદા સાથે આપવામાં આવી રહી છે. આ સહાયથી ખેતીમાં થયેલા નુકસાનની ભરપાઈ થઈ શકશે કે કેમ તે અંગે ખેડૂતો સવાલો ઉઠાવી રહ્યા છે. ઘણા ખેડૂતો, ગ્રામજનો અને સરપંચો દ્વારા પણ સહાયની રકમ સામે વાંધો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
​​​​​​​
ખેડૂતોનું કહેવું છે કે અગાઉ કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનના સમયે હેક્ટરદીઠ રૂ. ૨૨,૦૦૦ની સહાય આપવામાં આવી હતી, તો પછી દુષ્કાળ જેવી ગંભીર પરિસ્થિતિમાં માત્ર રૂ. ૮,૫૦૦ની સહાય શા માટે? પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હોય અને ખેતી માટે પાણી ઉપલબ્ધ ન હોય તેવી સ્થિતિમાં હાલ જાહેર કરાયેલી સહાય પૂરતી છે કે કેમ તે અંગે ખેડૂતોમાં ચર્ચા અને નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતોની માંગ છે કે જમીનના વિસ્તાર અને વાસ્તવિક નુકસાનને ધ્યાનમાં રાખીને સહાયની રકમમાં વધારો કરવામાં આવે, જેથી આર્થિક સંકટનો સામનો કરી રહેલા પરિવારોને રાહત મળી શકે.

લાલપુર શહેરમાં ત્રણથી ચાર દિવસે પાણી વિતરણ થતું હોવાથી નાગરિકોએ પીવાના પાણીનો સંગ્રહ કરીને દિવસો પસાર કરવા પડે છે. બીજી તરફ, ગામડાંઓમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં પાણીની જરૂરિયાત સામે આ વ્યવસ્થા કેટલી પૂરતી છે તેવો પ્રશ્ન પણ ઊભો થઈ રહ્યો છે. પીવાનું પાણી મેળવવા માટે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા પરિવારોની સમસ્યાઓમાં પણ વધારો થયો છે. પાણીની અછત માત્ર ખેતી પૂરતી મર્યાદિત ન રહેતાં હવે સામાન્ય જનજીવનને પણ અસર કરી રહી છે.

હાલની પરિસ્થિતિમાં લાલપુરના ખેડૂતો અને ગ્રામજનો દ્વારા પીવાના પાણીની નિયમિત અને પૂરતી વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી રહી છે. સાથે જ ખેતી માટે પાણી ઉપલબ્ધ કરાવવા અને દુષ્કાળની સ્થિતિમાં ખેડૂતોને વાસ્તવિક નુકસાનના આધારે યોગ્ય આર્થિક સહાય આપવા રજૂઆતો કરવામાં આવી રહી છે. ખેડૂતો દ્વારા સંપૂર્ણ દેવું માફ કરવાની અથવા હાલની સહાય યોજનામાં ફેરવિચારણા કરીને વધુ સહાય આપવાની માંગ પણ ઉઠાવવામાં આવી છે.

લાલપુર શહેર અને તાલુકામાં સર્જાયેલી પાણીની તંગી તથા ખેતીના નુકસાનને ધ્યાનમાં લેતાં હવે પીવાના પાણીની વ્યવસ્થા, જળસ્રોતોનું આયોજન અને ખેડૂતોને આર્થિક રાહત આપવાના મુદ્દા મહત્ત્વના બન્યા છે. એક તરફ નાગરિકોને પીવાનું પાણી મેળવવા માટે મુશ્કેલી પડી રહી છે, તો બીજી તરફ પાક નિષ્ફળ જતાં ખેડૂતો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં પાણીની સમસ્યાના કાયમી ઉકેલ સાથે અસરગ્રસ્ત ખેડૂતોને પૂરતી સહાય મળે તેવી માંગ લાલપુર પંથકમાંથી ઉઠી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application