નેપાળના સોલુખુંબુ જિલ્લામાં લેન્ડિંગ દરમિયાન બે હેલિકોપ્ટર એકબીજા સાથે અથડાતાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે. આ દુર્ઘટના ખૂમ્બુ પાસાંગ લ્હામુ વિસ્તારના ફેરીચે હેલિપેડ પર બની હતી. બંને હેલિકોપ્ટર લેન્ડીગ કરી રહ્યાં હતાં ત્યારે તેમના પાંખિયા એકબીજા સાથે અથડાયા હતા.
નેપાળ નાગરિક ઉડ્ડયન સત્તામંડળના જણાવ્યા અનુસાર, ફિસ્ટેલ અને ડાયનેસ્ટી એરલાઇન્સનાં હેલિકોપ્ટર ફેરીચે હેલિપેડ પર ઉતરી રહ્યાં હતાં. આ દરમિયાન બંને હેલિકોપ્ટરના પાંખિયા અથડાતાં અકસ્માત સર્જાયો હતો. સત્તામંડળના માહિતી અધિકારી જ્ઞાનેન્દ્ર ભુલે જણાવ્યું હતું કે ઘટનાની જાણકારી મળ્યા બાદ દુર્ઘટનાના કારણો અને અન્ય વિગતો એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સોલુખુંબુ જિલ્લા પોલીસ કાર્યાલયના ડીએસપી નવીનરાજ બુઢાથોકીના જણાવ્યા અનુસાર, બંને હેલિકોપ્ટર લેન્ડિંગ કરી રહ્યાં હતાં ત્યારે આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિ વિદેશી નાગરિક હોવાનું પોલીસ ઇન્સ્પેક્ટર મૌસમ તમાંગે જણાવ્યું હતું. જોકે, મૃતક કયા દેશના નાગરિક હતા તેની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. મૃતદેહને પ્રભુ હેલિકોપ્ટર મારફતે લુક્લા લઈ જવામાં આવ્યો હતો. જ્યારે ઘાયલ વ્યક્તિને સારવાર માટે માઉન્ટેન હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો.
ફેરિચે હિમાલય ક્ષેત્રમાં એક મુખ્ય સ્થળ છે, જે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને પર્વતારોહકોને આકર્ષે છે. તેથી, હેલિકોપ્ટર સેવાઓ પરિવહનનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે. અકસ્માતનું ચોક્કસ કારણ હાલમાં અસ્પષ્ટ છે. પ્રારંભિક માહિતી સૂચવે છે કે બે હેલિકોપ્ટર લેન્ડિંગ દરમિયાન અથડાઈ ગયા હતા. પોલીસે તપાસ શરૂ કરી છે અને અકસ્માતના તમામ પાસાઓ વિશે માહિતી એકત્રિત કરી રહી છે. તપાસ પૂર્ણ થયા પછી જ અકસ્માતનું કારણ બહાર આવશે.