પાકિસ્તાન અધિકૃત જમ્મુ કાશ્મીર (PoK) ના રાવલકોટમાં બુધવારે સવારે પાકિસ્તાની સેનાએ નાગરિક વસાહતો પર ભયાનક હુમલો કરી દીધો હતો. ઉમર ફારૂક ચોક આસપાસ કરવામાં આવેલા ડ્રોન હુમલા અને અંધાધૂંધ ગોળીબારના કારણે 3 લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે 18 અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, સેના દ્વારા સવારે 5 વાગ્યે શરૂ કરવામાં આવેલો આ ગોળીબાર સતત કેટલાક કલાકો સુધી ચાલુ રહ્યો હતો.
અનેક શહેરોમાં પાડ્યા ડ્રોન અને બોમ્બ
રાવલકોટ શહેરના અનેક વિસ્તારોમાં ઘરો પર ગોળા અને બોમ્બ પડવાને કારણે ભીષણ આગ લાગી ગઈ હતી. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયો ફૂટેજમાં સળગતા મકાનો અને વિસ્ફોટના અવશેષો સ્પષ્ટપણે જોઈ શકાય છે. સ્થાનિક નિવાસીઓના જણાવ્યા મુજબ, પાક સેનાએ જાણીજોઈને નિશસ્ત્ર પ્રદર્શનકારીઓ અને નિર્દોષ પરિવારોને નિશાન બનાવ્યા હતા. બાળકો સહિત નાગરિકો પર સીધી ગોળીઓ ચલાવવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ કોઈ પ્રથમ ઘટના નથી. જૂન 2026 માં શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો પછીથી આ કબજા હેઠળના વિસ્તારમાં પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા અત્યાર સુધીમાં 153 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
મોબાઈલ સેવાઓ અને ઈન્ટરનેટ સંપૂર્ણપણે બંધ
આ હુમલાથી રાવલકોટ શહેર સૌથી વધુ પ્રભાવિત થયું છે. સ્થિતિને અંકુશમાં લેવાના નામે સરકારી મોબાઈલ સેવાઓ અને ઈન્ટરનેટ કનેક્ટિવિટી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને દહેશતનો માહોલ છે. આમ છતાં સ્થાનિક લોકો ડર્યા વગર રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવી રહ્યા છે.
આ પ્રદર્શનકારીઓ માત્ર સસ્તી વીજળી અને લોટની માંગ પૂરતા સીમિત નથી. તેઓ વિધાનસભામાં પૂરતું પ્રતિનિધિત્વ, સ્થાનિક સંસાધનો પર પોતાનો અધિકાર અને વહીવટી સ્વાયત્તતાની પણ માંગ કરી રહ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે પાકિસ્તાની સેનાના દમન છતાં તેઓ પાછળ હટશે નહીં. આ આંદોલન હવે પાકિસ્તાન સરકાર અને સ્થાનિક જનતા વચ્ચેના સંબંધો પર મોટા સવાલો ઊભા કરી રહ્યું છે.