સામાન્ય રીતે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડા જોવા મળતા હોય છે, પરંતુ હવે મેટ્રો સિટી અમદાવાદના રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસી જવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના છેવાડે આવેલા ઘુમા ગામ નજીક શરણદીપ સોસાયટીમાં ગત મોડી રાત્રે દીપડો જોવા મળતાં સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે. બનાવની જાણ થતાં જ વહીવટી તંત્ર, વન વિભાગ અને કાંકરિયા પ્રાણીસંગ્રહાલયની ટીમો તાત્કાલિક હરકતમાં આવી ગઈ છે અને દીપડાને પકડવા માટેનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, ઘુમા ગામથી શેલા તરફ જવાના મુખ્ય રોડ પર આવેલી શરણદીપ સોસાયટીમાં મોડી રાત્રે આશરે ૧:૫૦ વાગ્યાના સુમારે દીપડો સોસાયટીની કમ્પાઉન્ડ વોલ કૂદીને અંદર ઘૂસ્યો હતો. તે સમયે ગાડી લઈને પસાર થઈ રહેલી એક યુવતીએ પણ આ દીપડાને નજરોનજર જોયો હતો. સોસાયટીના સીસીટીવી કેમેરામાં દીપડાની હિલચાલ સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે. ઉપરાંત, કાંકરિયા પ્રાણીસંગ્રહાલયના અધિકારીઓએ સોસાયટી પરિસરમાં તપાસ હાથ ધરતાં ત્રણથી ચાર સ્થળોએ દીપડાના પંજાના નિશાન મળી આવ્યા છે, જેના આધારે તંત્ર દ્વારા સોસાયટીમાં દીપડો ઘૂસ્યો હોવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.
ઘુમા અને આસપાસના શેલા વિસ્તારમાં દીપડો દેખાતાં જ ડરી ગયેલા સ્થાનિક રહીશોએ તાત્કાલિક આ અંગે અમદાવાદના મેયર હિતેશ બારોટને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને મેયર હિતેશ બારોટ વહેલી સવારે જ શરણદીપ સોસાયટી ખાતે પહોંચી ગયા હતા. તેમણે સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી તેમને સાંત્વના આપી હતી અને સુરક્ષાની ખાતરી આપી હતી. મેયરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સ્થાનિકોની રજૂઆત બાદ તુરંત જ વન વિભાગ અને કાંકરિયા પ્રાણીસંગ્રહાલયના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને બંને ટીમોને સાથે રાખીને સ્થળ પર જ તપાસ શરૂ કરાવવામાં આવી છે.
હાલમાં ઘુમા અને શેલા ગામની આસપાસના વિસ્તારોમાં વન વિભાગ અને કાંકરિયા ઝૂની સંયુક્ત ટીમો દ્વારા દીપડાને શોધીને તેને પાંજરે પૂરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. દીપડો સોસાયટીમાંથી કઈ તરફ આગળ વધ્યો છે તેની દિશા નક્કી કરવા માટે સીસીટીવી ફૂટેજ અને પંજાના નિશાનોની મદદ લેવામાં આવી રહી છે. રહીશોને પણ રાત્રિના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.