પોરબંદર તાલુકાના માધવપુર ગામમાં છેલ્લા કેટલાક સમયથી હડકાયા કૂતરાઓનો આતંક જોવા મળી રહ્યો છે. ગામમાં બે-ત્રણ કૂતરાઓ હડકાયા બની જતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. રખડતા કૂતરાઓ લોકોને જોઈને હુમલો કરવા દોડતા હોવાથી ગ્રામજનોમાં ફફડાટ વ્યાપ્યો છે. આ તરફ આજે સવારથી ગામમાં રખડતા એક ખૂંટિયાને હડકવા ઉપડતાં લોકોમાં વધુ ભયનો માહોલ સર્જાયો હતો.
ખૂંટિયાએ લોકોને હડફેટે લેવાનો પ્રયાસ કરતાં જાહેર માર્ગો પરથી પસાર થતા લોકોમાં નાસભાગ મચી હતી. લોકો જીવ બચાવવા ભાગમભાગ કરવા લાગ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ ખૂંટિયો ભાગમભાગ કરીને કોઈને પણ અડફેટે લે તે પહેલાં તેને વહેલી તકે કાબૂમાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.
માધવપુરમાં એક તરફ હડકાયા કૂતરાઓનો ત્રાસ અને બીજી તરફ ખૂંટિયાના હુમલાની દહેશતને પગલે લોકોમાં ભયની લાગણી ફેલાઈ છે. ખાસ કરીને જરૂરી કામ સિવાય લોકો ઘરની બહાર નીકળતાં પણ અચકાઈ રહ્યા છે.
આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રામજનો દ્વારા તંત્રને તાત્કાલિક પગલાં ભરી હડકાયા કૂતરાઓ અને ખૂંટિયાને કાબૂમાં લેવા રજૂઆત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જેથી કોઈ નિર્દોષ વ્યક્તિ આ હુમલાનો ભોગ બને તે પહેલાં યોગ્ય કાર્યવાહી થાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application