BREAKING NEWS

તમારો પ્લોટ બારોબાર વેચી નાખીશ, જાનથી મારી નાખીશ, વિધવાને ભાણેજે આપી ધમકી

  • November 24, 2026 01:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર રહેતાં મૂળ સાળંગપુરના વતની વિધવા મહિલાને કૌટુંબિક ભાણેજે તારા પતિ પાસે 8 લાખ માંગુ છું, તમારો પ્લોટ બારોબાર વેચી નાખીશ કહીં પઠાણી ઉઘરાણી કરી ખૂનની ધમકી આપી હતી. જે અંગે મહિલાએ જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.



રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક પાસેના મેઘાણી ટાવરમાં રહેતાં અને મૂળ સાળંગપુરના વતની આણંદબા દાદભાઈ ખાચર (ઉ.વ.50) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જયવીર નટુ ગીડા (રહે. જસદણ) નું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પતિ ઓફિસર હતા અને તેમનુ દવાખાનુ લાતી પ્લોટમાં અક્ષર ક્લિનિક નામે જાણીતુ હતુ. પતિ વર્ષ 2023 માં અવસાન પામ્યા છે, તેઓને સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. તેઓના સસરા રાણીગભાઈ જસદણ બેંકમાં નોકરી કરતા હતા અને સાળગપુર મુકામે મકાન હતુ પરંતુ તે મકાન હાલ પ્લોટ થઇ ગયો છે.



વર્ષ 2023 માં પતિ દાદભાઈ રાણીંગભાઈ ખાચર અવસાન પામેલ તે બાદ કુટુંબી ભાણેજ જયવીર ગીડાએ ફરીયાદીના પતિના અવસાન બાદ કહ્યું હતું કે, તમારા પતિ દાદભાઈને મેં રૂ.8 લાખ આપ્યા છે, જેથી તેણીએ ભાણેજને કહેલ કે, મારા પતિએ મને કોઇ પણ જાતની આવી રૂપિયાની લેતીદેતી બાબતે કોઇપણ પ્રકારની વાત કરી નથી, તેમ વાત કરતા જયવીર અવાર નવાર બોલાચાલી કરતો અને તેણી પાસે પઠાણી ઉઘરાણી કરી કહેતો હતો કે, મેં તારા પતિને આપેલ રૂ.8 લાખ આપી દે નહીંતર તમને કોઇને જીવતા નહી મુકીશ અને તમારો સાળગપુર વાળો પ્લોટ બારોબાર વેચી નાખીશ.


દરમિયાન ગઈ તા.08/06/2025 ના આ જયવીર ફરીયાદીનાં જસદણ લાતી પ્લોટમાં આવેલ દવાખાને આવી પઠાણી ઉઘરાણી કરી બોલાચાલી કરી કહ્યું હતું કે, મેં તારા પતિને આપેલા રૂ.8 લાખ આપી દે તેમ કહેતા તેને કહ્યું હતું કે, તમે કરેલો વહીવટની અમને ખબર નથી કે તમારી પાસે કોઇ પુરાવા હોય તો આપો તો આ જયવીર જતો રહેલ હતો. તે બાદ એકાદ મહિના પહેલા ફરિયાદી પાસે તથા કુટુંબી દિયર સુરેશભાઈ ખાચર મારફતે આ જયવીરે રૂપિયા તથા વ્યાજની પઢાણી ઉઘરાણી કરી હેરાન પરેશાન કરી અવારનવાર ધમકીઓ આપી પઠાણી ઉઘરાણી કરતાં ફરીયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application