BREAKING NEWS

અમદાવાદમાં મેઘતાંડવઃ ઘરોમાં પાણી ઘૂસ્યા, 15 રસ્તાઓ બંધ; સીએમનો કાફલો ફસાયો

  • July 23, 2026 01:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દક્ષિણ ગુજરાતમાં પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર ઇનિંગ શરૂ કરી છે, જેની વ્યાપક અસર રાજ્યભરમાં જોવા મળી રહી છે. આ દરમિયાન અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી જ સતત વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે વાતાવરણમાં આહલાદક ઠંડક તો પ્રસરી ગઈ હતી, પરંતુ સવારના સમયે નોકરી-ધંધે, સ્કૂલ-કોલેજે અને ઓફિસે જતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેરમાં માત્ર ૪૦ મિનિટના ટૂંકા સમયગાળામાં ચાર ઈંચ જેટલો તોફાની વરસાદ ખાબકતાં ચારેય તરફ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. આથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુશ્કેલ સ્થિતિ વચ્ચે થલતેજ પેલેડિયમ મોલ પાસે રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે ખુદ મુખ્યમંત્રીનો કાફલો પણ ટ્રાફિક જામમાં ફસાયો હતો. પરિસ્થિતિ વણસતાં વાસણા બેરેજના દરવાજા ખોલીને ૨૯,૪૬૧ ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું હતું.


અમદાવાદના પશ્ચિમ અને નવા પશ્ચિમ ઝોનમાં વરસાદે સૌથી વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. એસ. જી. હાઈવે, થલતેજ, બોપલ, સરખેજ, જોધપુર, પ્રહલાદ નગર, સેટેલાઈટ, શિવરંજની, શ્યામલ ચાર રસ્તા, ગોતા, વેજલપુર, મકરબા, શાંતિપુરા, શેલા, ઘુમા, સનાથલ અને બાકરોલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ત્રણ કલાકમાં પશ્ચિમના વિસ્તારોમાં સરેરાશ છ ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે, જ્યારે થલતેજ અને મેમનગરમાં પાંચ ઈંચ જેટલું પાણી પડી ગયું હતું. શેલા વિસ્તારમાં તો ક્લબ O7 રોડ અને વીઆઈપી રોડ પર ગળાડૂબ પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો.

ભારે વરસાદના પગલે શહેરના તમામ મુખ્ય માર્ગો અને અંડરબ્રિજો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેના કારણે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. એસજી હાઈવે પર થલતેજથી ઇસ્કોન તરફ જતાં રસ્તે અને ઇસ્કોન બ્રિજ પર સવારે નવ વાગ્યાથી જ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.

આ વરસાદી આફત વચ્ચે એક અત્યંત દુઃખદ ઘટના પણ સામે આવી છે. થલતેજ મેટ્રો સ્ટેશન નીચેથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહમળી આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બીજી તરફ, સરખેજ એલજે કોલેજ પાસે પાણી ભરાઈ જતાં અટવાયેલા વિદ્યાર્થીઓને સરખેજ પોલીસ સ્ટેશનની 'કોડ ટીમ' દ્વારા રેસ્ક્યૂ કરીને બસ સ્ટેન્ડ સુધી સહીસલામત પહોંચાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત શાસ્ત્રીનગર પાસે આવેલા કોમ્પલેક્સના ભોંયરામાં દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા.


હાઇકોર્ટ અને એએમસી અપીલ, ડીઈઓનો શાળાઓને આદેશ

શહેરમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ યતીન ઓઝાએ તમામ નીચલી કોર્ટો, સિટી સિવિલ અને ગ્રામ્ય કોર્ટને રજૂઆત કરી છે કે પક્ષકારો કે વકીલોની ગેરહાજરીમાં કોઈ પ્રતિકૂળ હુકમ ન કરવામાં આવે. બીજી તરફ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનદ્વારા નાગરિકોને પાણી ભરાયેલા 15 જેટલા મુખ્ય રોડ પરથી ન પસાર થવા વિનંતી કરાઈ હતી. અમદાવાદ ડીઈઓ રોહિત ચૌધરીએ તમામ શાળાઓને વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને રજા કે આયોજન અંગે નિર્ણય લેવા સૂચના આપી હતી.


રાજ્યના 18 જિલ્લામાં આજે વરસાદનું રેડ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ માટે નાઉકાસ્ટ જારી કરવામાં આવ્યું છે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, વલસાડ, ડાંગ, નવસારી અને તાપી સહિતના ૧૮ જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ સહિત બાકીના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application