BREAKING NEWS

નફાના હેતુ વગર ઘરે પૈસા માટે પત્તા રમવા ગેમ્બલિંગ એક્ટ હેઠળ ગુનો નહીં: ગુજરાત હાઈકોર્ટ

  • August 13, 2026 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્રાવણ મહિનામાં ઘરે રમતા પત્તા પાનાના જુગારને મુદ્દે હાઇકોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે.આ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે નફો કમાવવાના ઉદ્દેશ્ય વિના, માત્ર મનોરંજન કે પૈસા માટે ઘરમાં બેસીને પત્તાની રમત રમવી એ ગેમ્બલિંગ એક્ટ (જુગાર ધારા) હેઠળ ગુનો બનતો નથી. આ મહત્વપૂર્ણ અવલોકન સાથે હાઈકોર્ટે આનંદનગર પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૧ માં નોંધાયેલી એફ.આઈ.આર. અને તે અંગેની સમગ્ર ફોજદારી કાર્યવાહી રદ કરવાનો હુકમ કર્યો છે.


આ કેસની વિગતો મુજબ, પોલીસને એક અનામી બાતમી મળી હતી કે અમદાવાદના શાલિગ્રામ-૨ વિસ્તારમાં આવેલા એક મકાનમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે જોયું કે એક ડાઇનિંગ ટેબલની આસપાસ પાંચ વ્યક્તિઓ બેઠી હતી, તેમની પાસે પત્તા (પાન) અને અલગ-અલગ રંગના કોઈન્સ મળી આવ્યા હતા. પોલીસે આ બાબતને આધારે ગેમ્બલિંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની આ કાર્યવાહી સામે પાંચ અરજદારોએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કેસ રદ કરવાની માગણી કરી હતી.


અરજદારોના વકીલે દલીલ કરી હતી કે તેમની સામે ગેમ્બલિંગ એક્ટ હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો છે, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ આ કાયદાની કોઈ જોગવાઈઓ આ કેસમાં લાગુ પડતી નથી. જે મકાનમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, તે કોઈ 'કોમન ગેમિંગ હાઉસ' (જુગારનો અડ્ડો)ની વ્યાખ્યામાં આવતું નથી. પત્તાની રમત દ્વારા કોઈ નફો કમાવવાનો હેતુ હતો અથવા તે વ્યવસાયિક ધોરણે ચાલતું હતું તેવું પણ કોઈ પુરાવો કે સાબિતી પોલીસ રજૂ કરી શકી નથી. સ્થાનિક ભાષામાં નોંધવામાં આવેલી એફ.આઈ.આર.માં પણ પોલીસે ક્યાંય 'જુગારખાના' શબ્દનો ઉપયોગ કર્યો ન હતો.


મામલાની સુનાવણી બાદ હાઈકોર્ટે નોંધ્યું હતું કે એફ.આઈ.આર.માં ક્યાંય એવું લખાણ નથી કે તે મકાન જુગારનો અડ્ડો હતો અથવા ત્યાં નફા માટે જુગાર રમાડાતો હતો. માત્ર અમુક કોઈન્સ સાથે પત્તા રમવા અને અરજદારોના ખિસ્સામાંથી પૈસા મળવા માત્રથી તે ઘર જુગારનો અડ્ડો બની જતો નથી. જો જુગારનો અડ્ડો જ સાબિત ન થાય, તો જુગાર રમતા હોવાનો ગુનો પણ ટકી શકે નહીં.


આથી, નફા કમાવવાના ઉદ્દેશ્યના અભાવે માત્ર પૈસા માટે ઘરમાં પત્તા રમવા એ 'કોમન ગેમિંગ હાઉસ' ગણી શકાય નહીં. આ આધારે હાઈકોર્ટે આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફ.આઈ.આર. અને તે સંબંધી તમામ ફોજદારી કાર્યવાહીને રદ કરવાનો આદેશ આપ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application