રાજકોટ શહેરના પોશ વિસ્તાર ગણાતા યાજ્ઞિક રોડ પર આવેલી એક ખ્યાતનામ હોટેલમાં વોશરૂમનો ઉપયોગ કરવા ગયેલા ધંધાર્થી સાથે હોટેલના સ્ટાફે રકઝક કરી હતી. બાદમાં વેપારીને અચાનક પીસીબી બ્રાન્ચમાંથી તેડું આવ્યું હતું. જ્યારે વેપારીએ આ માટેનું કારણ પૂછતાં 'તમે ઝઘડો કરો છો' તેવી વાત કારણ તરીકે જણાવવામાં આવી હતી. વેપારી આનાકાની કરતાં ગણતરીની મિનિટોમાં પીસીબીના પીએસઆઈ સહિતની ટીમ આવી પહોંચી હતી. આશ્ચર્યની વાત એ છે કે વેપારીએ કદાચિત ઝઘડો કર્યો હોય તો પણ આ બાબત સ્થાનિક પોલીસના અધિકારક્ષેત્રની છે. બીજી તરફ આવી સામાન્ય બાબતમાં પીસીબી જેવી મહત્ત્વની બ્રાન્ચને કેમ રસ પડ્યો? હોટેલના સ્ટાફ સાથેનો અંગત ધરોબો કે પછી અન્ય કોઈ બાબત, તેને લઈને તરેહ-તરેહની ચર્ચાઓ થઈ રહી છે.
શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી આ હોટેલમાં વોશરૂમ માટે ગયેલા એક ધંધાર્થીને હોટેલ મેનેજરે અટકાવતાં મામલો બિચક્યો હતો, જે બાદ મેનેજરે પોતાના ફોન રણકાવ્યા હતા. થોડીવારમાં જ આ ધંધાર્થીને પીસીબીના પીએસઆઈએ ફોન કરી હાજર થવા ફરમાન કર્યું હતું. જેથી ધંધાર્થીએ સહજ રીતે હાજર થવા પાછળનું કારણ જણાવવા કહેતાં કહ્યું હતું કે, તમે ઝઘડો કર્યો છે. બાકીની ચર્ચા બાદમાં થશે તેમ કહ્યું હતું.
જોકે, ધંધાર્થીએ બ્રાન્ચમાં જવાનું મુનાસિબ ન જણાતાં હજુ શું કરવું તે વિચારતો હતો, દરમિયાન જ પીસીબીના પીએસઆઈ સહિતની ટીમ અહીં આવી પહોંચી હતી. બાદમાં ધંધાર્થીની ખબર લીધી હતી. એટલું જ નહીં, આ સમયે હોટેલના મેનેજર પણ આવી ગયા હતા. આ ઘટનાક્રમે ભારે ચર્ચા જગાવી છે.
પીસીબી કે જેમની મુખ્ય કામગીરી શહેરમાં દારૂની પ્રવૃત્તિ પર અંકુશ લગાવવાની છે. તેવી મહત્ત્વની બ્રાન્ચ એક હોટેલમાં લઘુશંકા કરવા જેવી સામાન્ય બાબતે તાકીદે ટીમ સાથે દોડી આવે તે બાબત આશ્ચર્ય પમાડે તેવી છે. આ વાત ખાસ બ્રાન્ચના હોટેલ સ્ટાફ સાથે ખાસ સંબંધો હોવાની ચાડી ખાઈ રહી છે. આ પ્રકરણને લઈને તરેહ-તરેહની ચર્ચા ચાલી રહી છે.
તાજેતરમાં હોટેલમાં હાઈપ્રોફાઇલ દારૂ પાર્ટી સમયે મહત્ત્વની બ્રાન્ચ ડોકાઈ પણ ન હતી
હોટેલમાં વોશરૂમનો યુઝ કરવા બાબતે સ્ટાફ સાથે રકઝક થતાં ધંધાર્થીની ખબર લેવા પીસીબીની ટીમ આવી પહોંચી હતી. ત્યારે સો મણનો સવાલ એ છે કે તાજેતરમાં જ શહેરની ભાગોળે એક હોટેલમાં હાઈપ્રોફાઇલ દારૂની પાર્ટી પર દરોડો પડ્યો હતો. આખી રાત કામગીરી ચાલી આવી ગંભીર ઘટના સમયે પીસીબીના અધિકારી કે કર્મચારી ડોકાયા પણ ન હતા.