સુરત શહેરના કતારગામ ડભોલી ચાર રસ્તા પાસે આવેલી કિસ્મત કોલોનીમાં એક અત્યંત હૃદયકંપાવનારી અને રહસ્યમય ઘટના સામે આવી છે. અહીં રહેતા એક નવદંપતીના લગ્નની પ્રથમ વર્ષગાંઠના બીજા જ દિવસે (૧૯ જુલાઈ) શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘરમાં ૨૩ વર્ષીય પતિ પંખા સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે તેની ૧૯ વર્ષીય પત્ની જમીન પર ચાદર ઓઢેલી મૃત હાલતમાં મળી આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ઘટનાની જાણ થતાં જ કતારગામ પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ખડસલીયા ગામના વતની અને હાલ ડભોલી વિસ્તારમાં રહેતો ૨૩ વર્ષીય અભય ગિરીશભાઈ કાતરીયા લિફ્ટ રીપેરિંગનું કામ કરતો હતો. અભયે એક વર્ષ પહેલાં ઝારખંડની વતની દિશા મનોજભાઈ આહોજા (ઉં.વ. ૧૯) સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને પોતાના પરિવાર સાથે સંયુક્તમાં રહેતા હતા. રવિવારે અભયના માતા-પિતા કામ અર્થે બહાર ગયા હતા ત્યારે ઘરમાં દંપતી હાજર હતું. આ દરમિયાન અભયે પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો, જ્યારે દિશા જમીન પર બેભાન અવસ્થામાં પડી હતી. અભયના કાકીએ રૂમ ખોલીને જોતાં ૧૦૮ને જાણ કરી હતી, પરંતુ તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.
આ કરુણ ઘટના પાછળ સૌથી દુઃખદ બાબત એ છે કે શનિવારે જ આ નવદંપતીની પ્રથમ મેરેજ એનિવર્સરી હતી, જેની ઉજવણી કરવા બંને બહાર ફરવા પણ ગયા હતા. અભયના કાકા બંનેની એનિવર્સરી માટે ખાસ કેક અને નવા કપડાં લાવ્યા હતા, પરંતુ થાક લાગ્યો હોવાનું કહીને અભયે કેક રવિવારે કાપવાનું કહ્યું હતું. જે કેક રવિવારે કાપવાની હતી, તે જ દિવસ તેમની જિંદગીનો આખરી દિવસ સાબિત થયો હતો. પુત્રીની પ્રથમ એનિવર્સરી હોવાથી દિશાની માતાએ પણ તેને હોંશે-હોંશે સોનાની બુટ્ટી ભેટમાં આપી હતી, પરંતુ આ ખુશીઓ ક્ષણભરમાં માતમમાં ફેરવાઈ ગઈ હતી.
દંપતીના મોતને પગલે અનેક પ્રકારની શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે. દિશાના શરીર પર કોઈ ઈજાના નિશાન છે કે કેમ અને તેનું મોત ગૂંગળામણથી થયું છે કે ઝેરી દવા ગટગટાવવાથી, તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. કતારગામ પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ બંને મૃતકોના મોબાઈલ ફોન કબજે કર્યા છે. ફોન કોલ્સ અને ચેટ્સના આધારે કૌટુંબિક વિવાદ કે અન્ય કોઈ તણાવ હતો કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે.
આ અણધાર્યા બનાવથી બંને પરિવારો પર આભ તૂટી પડ્યું છે. દિશા પ્રાઇવેટ નોકરી કરતી હતી અને માતા-પિતાની એકમાત્ર લાડકી દીકરી હતી. બીજી તરફ અભયના માતા-પિતા ખાનગી કંપનીમાં સફાઈ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જુવાનજોધ દીકરા અને વહુના એકસાથે આકસ્મિક મોતથી પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે.