BREAKING NEWS

રાજકોટમાં નવરાત્રી રાસોત્સવના આયોજકોને પોલીસે આપી કડક ચેતવણી, કહ્યું- કાયદામાં રહેજો

  • October 08, 2026 04:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી દિવસોમાં આધ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીનો પ્રારંભ થનાર છે. શહેરમાં પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવના સંખ્યાબંધ આયોજન છે. ત્યારે નવરાત્રી દરમિયાન કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, ખેલૈયાઓ અને ખાસ કરીને રાત્રિના ઘરે પરત ફરતી યુવતીઓ અને મહિલાઓની સુરક્ષાને લઈને પોલીસ દ્વારા ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

સાથોસાથ આયોજકો પણ નિયમના પાલનમાં કોઈ કચાસ ન રાખે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા રાજકોટના તમામ નાના-મોટા અર્વાચીન અને પ્રાચીન ગરબા આયોજકો સાથે એક ખાસ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પોલીસ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.

આ વર્ષે પણ ગરબાના સમય અને લાઉડસ્પીકરના ઉપયોગને લઈને રાજકોટ પોલીસે કડક વલણ અપનાવ્યું છે. સરકારી નિયમો અને ધ્વનિ પ્રદૂષણની મર્યાદાને ધ્યાનમાં રાખીને આયોજકોને આદેશ આપવામાં આવ્યો છે કે રાત્રે ૧૨:૦૦ વાગતાની સાથે જ તમામ ઇલેક્ટ્રોનિક સાઉન્ડ સિસ્ટમ અને ડીજે બંધ કરી દેવાના રહેશે. જોકે, ખેલૈયાઓને રાહત આપતી વાત એ છે કે, ૧૨ વાગ્યા પછી પણ ખેલૈયાઓ પરંપરાગત ઢોલ-નગારાના તાલે ગરબા રમી શકશે. આ નિર્ણયથી પરંપરાગત સંસ્કૃતિ પણ જળવાશે અને આસપાસના રહેણાંક વિસ્તારો તેમજ હોસ્પિટલોમાં દર્દીઓ કે વડીલોને ધ્વનિ પ્રદૂષણથી મુશ્કેલી પણ નહીં પડે.

રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે, ગરબા ગ્રાઉન્ડના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેનેજમેન્ટમાં કોઈ કચાસ હોવી જોઈએ નહીં. સુરક્ષાના ભાગરૂપે કેટલાક નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. જેમાં ગરબા મેદાનના પ્રવેશદ્વાર, પાર્કિંગ અને ગ્રાઉન્ડની અંદર પૂરતા પ્રમાણમાં હાઈ-ડેફિનેશન સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે, જેનું મોનિટરિંગ સતત ચાલુ રહેવું જોઈએ. ટીઆરપી ગેમઝોન અકસ્માત બાદ પોલીસ ફાયર સેફ્ટી બાબતે અત્યંત કડક છે. શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ આકસ્મિક આગની ઘટના સામે લડવા માટે ગ્રાઉન્ડ પર પૂરતા પ્રમાણમાં ફાયર એક્સટિંગ્યુશર અને પાણીની વ્યવસ્થા હોવી અનિવાર્ય છે.

આયોજકોને ખાસ એવું પણ કહેવાયું છે કે, ભીડને નિયંત્રિત કરવા તેમજ આવારા તત્વોને રોકવા માટે આયોજકોએ પૂરતી સંખ્યામાં ખાનગી સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવા પડશે. કોઈ મોટી ઘટના બને ત્યારે નાસભાગ ન થાય તે માટે મેદાનમાંથી બહાર નીકળવાના રસ્તા પહોળા રાખવાના રહેશે.

નવરાત્રીના નવ દિવસ દરમિયાન પોલીસ વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે. કંટ્રોલ રૂમ દ્વારા સીસીટીવી ફૂટેજ પર નજર રાખવામાં આવશે, જ્યારે લોકલ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને મહિલાઓની સુરક્ષા માટે 'શી ટીમ' સિવિલ ડ્રેસમાં ગરબા ગ્રાઉન્ડની અંદર અને આસપાસ તૈનાત રહેશે. આ ઉપરાંત, ઉચ્ચ અધિકારીઓની સ્પેશિયલ ટીમો ગમે ત્યારે ગરબા સ્થળો પર સરપ્રાઈઝ વિઝિટ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application