અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં દસ લોકોના મોત બાદ પોલીસ સફાળી જાગી છે. આજે અમદાવાદ ગ્રામ્યમાં ચાંગોદર પોલીસે ફટાકડાના બે ગેરકાયદેસર ગોડાઉન ઝડપી પાડ્યા છે. જેમાં રૂ.39.57 કરોડના ફટાકડા મળી આવ્યા છે. પોલીસે બે વ્યક્તિ સામે ગુનો નોંધીને ધરપકડ કરીને કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં ફાયર સેફ્ટી અને પરવાના વગર ચાલી રહેલા ફટાકડાના ગોડાઉન પર પોલીસે દરોડો પાડી મોટી કાર્યવાહી કરી છે. મોડાસર ગામ ચાર રસ્તાથી અમથાપુરા જવાના રસ્તા પર આવેલી 'અંબિકા ટ્રેડ લિન્ક' નામની ફટાકડા ફેક્ટરીમાંથી પોલીસે ફાયર એનઓસી કે રિન્યુઅલ લાયસન્સ વગર રાખવામાં આવેલો 39.57 કરોડ રૂપિયાથી વધુનો ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો છે.
મળતી માહિતી અનુસાર, અંબિકા ટ્રેડ લિન્કના બે ગોડાઉનમાં ફટાકડા વેચાણ અંગેનો પરવાનો સમયસર રિન્યૂ કરાવવામાં આવ્યો નહોતો. આ ઉપરાંત સંચાલકોએ ફાયર વિભાગની એનઓસી મેળવ્યા વગર અને લોકોની જિંદગી જોખમાય તે રીતે પુરતા ફાયર સેફ્ટીના સાધનો રાખ્યા વિના જ ગોડાઉનમાં મોટો જથ્થો સંગ્રહિત કરી રાખ્યો હતો. આમ, પરવાનાની શરતોનું સીધું ઉલ્લંઘન કરી પોતાનો તથા અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકવામાં આવ્યો હતો.
પોલીસે દરોડા દરમિયાન ગોડાઉનમાંથી કુલ 39,57,90,000 રૂપિયા કિંમતનો ફટાકડાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઘટનાસ્થળેથી બે વ્યક્તિઓ હાજર મળી આવ્યા હતા. પોલીસે પરવાના વગર ફટાકડાનો સંગ્રહ કરવા, ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરવા અને માનવ જિંદગી જોખમમાં મૂકવા બદલ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચાંગોદર પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે, મોડાસર ગામથી અમથાપુરા જવાના રસ્તા ઉપર ફટાકડાના ગેરકાયદેસર ગોડાઉન આવેલા છે. પોલીસે અંબિકા ટ્રેડલિંક નામના બે ગોડાઉન પર રેડ કરી હતી. આ બંને ગોડાઉન સામ સામે આવેલા હતા. આ બંને ગોડાઉનમાંથી નાના-મોટા કાર્ટુનમાં વિવિધ પ્રકારના ફટાકડાનો વિશાળ જથ્થો ભરેલો હતો.
ગોડાઉનના દરવાજા પાસે ફાયર સેફટીની બોટલો અને રેતી ભરેલી ડોલ હતી. પરંતુ ગોડાઉનની ક્ષમતાને ધ્યાનમાં રાખી અગ્નિ સુરક્ષાની વ્યવસ્થા પૂરતી જણાઈ ન હતી. આ ઉપરાંત વોટર સ્પ્રીન્ક્લર પણ જોવા મળ્યા નહોતા. ગોડાઉનની બહાર પતરાવાળા શેડ પણ ફટાકડાના કાર્ટુન રાખવામાં આવ્યા હતા અને શેડની આગળ જાડું કપડું બાંધેલું હતું. જેના કારણે આગ આગ અથવ તો વિસ્ફોટ થવાની પૂરેપૂરી સંભાવના હતી.