ભાવનગર શહેરમાં યુવા સુરભી કોમ્પલેક્ષમાં ચાર સ્પા પાર્લરમાં પોલીસે દરોડા પાડીને કુટણખાનું ઝડપી પાડ્યું છે. ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર આવેલ યુવા સુરભી કોમ્પલેક્ષમાં ભાવનગર પોલીસે કોમ્પલેક્ષની અંદર આવેલા ચાર અલગ અલગ સ્પા પાર્લર પર દરોડા પાડી ગેરકાયદેસર રીતે ચાલી રહેલા કુટણખાના ધંધાનો પર્દાફાશ કર્યો. પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે યુવા સુરભી કોમ્પલેક્ષની અંદર કેટલીક સ્પામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે. એક સ્પામાંથી ત્રણ યુવતીઓને મુક્ત કરાવવામાં આવી અને સ્પાના માલિક તથા મેનેજરની ધરપકડ કરવામાં આવી.
ચાર સ્પા પાર્લરના માલિકો અને મેનેજરો વિરુદ્ધ ગુનો
બીજા સ્પામાંથી છ યુવતીઓને મુક્ત કરાવવામાં આવી છે. તેમજ એક માલિક, બે મેનેજર અને એક ગ્રાહક સહિત ચાર વ્યક્તિઓને પોલીસે કસ્ટડીમાં લીધા છે. ત્રીજા સ્પામાંથી આઠ યુવતીઓને મુક્ત કરાવવામાં આવી અને એક માલિક તથા એક મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. કુલ મળીને ચાર સ્પા પાર્લરના માલિકો અને મેનેજરો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સ્પા લાયસન્સ હેઠળ ચાલતા હોવાનો દાવો
મુક્ત કરાવવામાં આવેલી યુવતીઓને સલામત સ્થળે ખસેડી તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા આ સ્પા પાર્લરોના લાયસન્સ અને દસ્તાવેજોની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કેટલાક સ્પા લાયસન્સ હેઠળ ચાલતા હોવાનો દાવો કરતા હતા, પરંતુ અંદરથી કુટણખાનાનો ધંધો ચલાવવામાં આવી રહ્યો હતો. હાલ પોલીસ દ્વારા આ સમગ્ર રેકેટ પાછળ ક્યાં લોકો સંકળાયેલા છે તથા યુવતીઓને કેવી રીતે લાવવામાં આવી હતી તે અંગેની તપાસ ચાલુ છે.