ગુજરાતમાં આ વર્ષે ચોમાસા દરમિયાન સંતોષકારક વરસાદ ન થવાને કારણે અને અનેક વિસ્તારોમાં લાંબો સમય વરસાદ ખેંચાવાના કારણે અન્નદાતા ગણાતા ખેડૂતો અને પશુપાલકોની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ છે. ખેડૂતો પાયમાલ થતા અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે રાજ્યમાં દુકાળ જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મીડિયા સમક્ષ વિગતો રજૂ કરતા જણાવ્યું હતું કે, ભારતીય હવામાન વિભાગના બીજા સપ્ટેમ્બરના આંકડા મુજબ રાજ્યમાં સરેરાશ કરતા આશરે ૧૫ ટકા ઓછો વરસાદ નોંધાયો છે, જેના લીધે ૧૫ જેટલા જિલ્લાઓમાં ગંભીર અછતની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને પોરબંદરમાં ૭૩ ટકા તેમજ જામનગર અને કચ્છમાં આશરે ૬૦ ટકા જેટલી વરસાદની ભારે ઘટ જોવા મળી છે, જ્યારે દેવભૂમિ દ્વારકામાં આશરે ૮૮ ટકા વરસાદ ઓછો પડ્યો છે. ખેડૂતોનો પાક નિષ્ફળ જવાના આરે છે અને તેઓ આકાશ તરફ મીંડી માંડીને બેઠા છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 'કિસાન કોંગ્રેસ' દ્વારા ૭ સપ્ટેમ્બરે રાજ્યવ્યાપી આંદોલનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને સરકાર સમક્ષ નીચે મુજબની તાત્કાલિક માંગણીઓ મૂકવામાં આવી છે. જેમા જિલ્લાઓ અને તાલુકાઓ અછતગ્રસ્ત થવાને પાત્ર છે, તેમને તાત્કાલિક દુકાળગ્રસ્ત જાહેર કરવામાં આવે.
સૌરાષ્ટ્રના ૧૭૧ ડેમ 'સૌની યોજના' હેઠળ ત્વરિત ભરાવવામાં આવે અને ગામડાઓ તથા નગરપાલિકાઓમાં નિયમિત શુદ્ધ પીવાનું પાણીૂરું પાડવામાં આવે.
ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ તેમજ વીજબીલ (ફિક્સ્ડ ચાર્જ) સંપૂર્ણપણે માફ કરવામાં આવે.
આ સિવાય અસરગ્રસ્ત વિસ્તારોમાં ૭ કિલોમીટરની ત્રિજ્યામાં ઘાસચારા વિતરણ કેન્દ્રો અને નિયમાનુસાર પાંજરાપોળો ખોલવામાં આવે. તેમજ ખેડૂતો અને ખેત મજૂરો માટે રોજીરોટી અર્થે રાહત કાર્યો શરૂ કરવામાં આવે.
આ સરકાર પર આકરા પ્રહાર કરતા કોંગ્રેસ પ્રમુખે ઉમેર્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી ક્યારેક દિલ્હી તો ક્યારેક વિદેશના પ્રવાસે વ્યસ્ત રહે છે અને નાયબ મુખ્યમંત્રી સોશિયલ મીડિયા માટે રીલ્સ બનાવવામાં મગ્ન છે. સરકારે પ્રવાસો અને પ્રચારો છોડીને ખેડૂતોના ખેતરે જઈ તેમની આંખોમાં રહેલી ચિંતા અને જમીનની વાસ્તવિક સ્થિતિ જોવી જોઈએ તેવી લોકબુલંદ માંગ ઊઠી છે.