રાજકોટમાં ભંગારના ડેલામાં ધડાકાભેર બ્લાસ્ટ: ત્રણ શ્રમિકો દાઝ્યા
રાજકોટમાં ભંગારના ડેલામાં ધડાકાભેર બ્લાસ્ટ: ત્રણ શ્રમિકો દાઝ્યા
October 19, 2026 11:31 AM
રાજકોટમાં સાંઈબાબા સર્કલ નજીક આવેલા ભંગારના ડેલામાં રવિવારે સાંજે અચાનક ધડાકાભેર બ્લાસ્ટ થયા બાદ આગ લાગતા જોત જોતામાં આગળ આખા ડેલામાં પ્રસરી હતી. ઘટનાને પગલે આસપાસમાં નાશભાગ મચી જતા કોઈએ ફાયર બિગ્રેડને જાણ કરતા ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ વધુ વિકરાળ બને એ પૂર્વે જ કાબુમાં લીધી હતી. આ ઘટનામાં ત્રણ શ્રમિકો દાઝી જતા તાકીદે 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ આગ લાગવાનું કારણ ભંગારના ડેલામાં ટીન ભાંગતી વખતે ગેસ અને કેમિકલની મિશ્રણ થતા બ્લાસ્ટ થવાથી લાગી હોવાનું મનાઈ રહ્યું છે. બનાવન પગલે આજીડેમ પોલીસ દોડી ગઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા રોડ પર રોલેક્સ રોડ નજીક સાંઈબાબા સર્કલ પાસે આવેલા હેમાઈ સ્ટીલ નામના ભંગારના ડેલામાં ગત સાંજે અચાનક ધડાકા થયા બાદ આગ ભભુકતા ડેલામાં કામ કરતા શ્રમિકોમાં નાશભાગ મચી જવા પામી હતી. ધડાકો એટલો પ્રંચડ હતો કે આસપાસના કારખાનેદારો સહિતના બહાર નીકળી ગયા હતા. બ્લાસ્ટના પગલે ડેલામાં આગ લાગતા ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર બિગ્રેડનો સ્ટાફ દોડી ગયો હતો અને તાકીદે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. ઘટનામાં ત્યાં કામ કરતા મૂળ યુપીના જગત રામદુલારે ગૌતમ (ઉ.વ.38), મંગેશ તિલકદાસ ગૌતમ (ઉ.વ.18), પ્રદીપ રમકુબેર ગૌતમ (ઉ.વ.18) ત્રણેય દાઝી જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મચ્છર અને જીવાત મારવાના ખાલી ડબ્બાઓ ભાગતી વખતે ગેસ અને કેમિકલ એકી સાથે હોવાથી બ્લાસ્ટ થયો હોવાનું ડેલાના માલિકે જણાવ્યું હતું.