અમદાવાદ શહેરની હદમાં ચાલી રહેલા ઉદ્યોગોને શહેરની બહાર ખસેડવા માટે ગુજરાત સરકારે થ્રીવ યોજના હેઠળ કુલ 1,700 એકર જમીન અનામત રાખી છે. આ જમીન પર નવા ઔદ્યોગિક ક્લસ્ટર વિકસાવવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં આશરે 1,100 એકર અને ખેડા જિલ્લામાં લગભગ 600 એકર જમીન ફાળવવામાં આવી છે.
થ્રીવ એટલે ટ્રાન્ઝીશન ફોર હર્મોનીઝડ રીલોકેશન એન્ડ ઇન્ક્લુંઝીવ વાઇબ્રન્ટ ઈકોનોમી. આ યોજના હેઠળ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલા ઉદ્યોગોને શહેરની બહાર સ્થળાંતર માટે પ્રોત્સાહનો આપવામાં આવશે. સરકારનો મુખ્ય હેતુ શહેરોમાં ઔદ્યોગિક ભારણ ઘટાડવા ઉપરાંત પર્યાવરણ અને શહેરી આયોજનમાં સુધારો કરવાનો છે.
રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, અમદાવાદમાં આવેલા જીઆઈડીસી એસ્ટેટના ઉદ્યોગોને સ્થળાંતરમાં પ્રાથમિકતા આપવામાં આવશે. જોકે, શહેરની હદમાં ખાનગી જમીન પર ચાલતા ઉદ્યોગો પણ નવા ઔદ્યોગિક ક્લસ્ટરમાં જમીન મેળવવા માટે પાત્ર રહેશે.
સરકાર હાલ જીઆઈડીસી એસ્ટેટમાં રહેલા પ્લોટના રૂપાંતરણ અને ટ્રાન્સફરની પ્રક્રિયા સરળ બનાવવાના વિકલ્પો પર પણ વિચાર કરી રહી છે. તેનો હેતુ પ્રક્રિયાત્મક અડચણો દૂર કરીને ઉદ્યોગોને જૂના સ્થળેથી બહાર નીકળવામાં સરળતા આપવાનો છે.
અમદાવાદના ઔદ્યોગિક એકમોને શહેરની બહાર ખસેડવા અંગે ગુજરાત હાઇકોર્ટે અગાઉ અનેક વખત ટિપ્પણીઓ અને નિર્દેશો કર્યા છે. હવે સરકાર આ સ્થળાંતરને વ્યાપક શહેરી આયોજન અને પર્યાવરણ સુધારણાના ભાગરૂપે આગળ ધપાવી રહી છે. અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ-2030ની યજમાની અને સંભવિત ઓલિમ્પિક્સ-2036ની દાવેદારીને ધ્યાનમાં રાખીને શહેરને વધુ સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવાનો પણ હેતુ છે.
થ્રીવ યોજના હેઠળ સ્થળાંતરનો તાત્કાલિક આર્થિક બોજ ઘટાડવા માટે વિવિધ પ્રોત્સાહનો આપવામાં આવશે. તેમાં કર્મચારીઓ માટે છ મહિના સુધી દર મહિને પ્રતિ કર્મચારી રૂ.5,000ની વેતન સહાયનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઔદ્યોગિક પાર્ક અને કોમન એન્વાયર્નમેન્ટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મૂડી સહાયની પણ જોગવાઈ છે.
જોકે, ઉદ્યોગ સંગઠનોનું કહેવું છે કે સ્થળાંતર સરળ નહીં હોય. જીસીસીઆઈની જીઆઈડીસી કમિટીના ચેરમેન અજય પટેલે જણાવ્યું કે શહેરની બહાર ઉદ્યોગ ખસેડવાથી કામદારો, સપ્લાય ચેઇન અને ઉત્પાદન વ્યવસ્થા પર અસર પડી શકે છે. તેમના મતે, સ્થળાંતર ફરજિયાત બને તો મર્યાદિત સંખ્યામાં એકમો જ સ્થળાંતર કરે તેવી શક્યતા છે.
ટેક્સટાઇલ પ્રોસેસિંગ ક્ષેત્રના પ્રતિનિધિએ પણ જણાવ્યું કે નવી જમીનના ભાવ સ્પર્ધાત્મક હોવા જોઈએ અને સરકાર દ્વારા કોમન ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવું જરૂરી છે. સાથે જ જૂના એકમો બંધ કરતા પહેલાં નવી જગ્યાએ ઉત્પાદન શરૂ કરવા માટે પૂરતો સમય આપવાની માંગ ઉઠી છે.