BREAKING NEWS

સોનમ વાંગચુકના સમર્થનમાં ગુજરાતમાં વિરોધઃ અમદાવાદમાં પોલીસે પ્રદર્શનકારીઓને દોડાવ્યા ને પછી ટીંગાટોળી સાથે અટકાયત કરી

  • July 20, 2026 01:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હીના જંતર-મંતર ખાતે સોનમ વાંગચુકના સમર્થનમાં ચાલી રહેલા આંદોલનના પડઘા હવે ગુજરાતના અમદાવાદ સુધી પહોંચ્યા છે. આજે અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા યુથ કોંગ્રેસના કાર્યકરો પર પોલીસે કડક કાર્યવાહી કરી હતી. લો-ગાર્ડન પાસેની હેપ્પી સ્ટ્રીટ પર એકઠા થયેલા આંદોલનકારીઓ પાછળ પોલીસ લાકડીઓ લઈને દોડી હતી અને રસ્તા પર બેસીને નારાબાજી કરી રહેલી મહિલાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. વાંગચુકના સમર્થનમાં એકત્ર થયેલા પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા.

દિલ્હીમાં છેલ્લા ઘણા સમયથી નીટ પરીક્ષાના પેપર લીક મુદ્દે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. આ જ મુદ્દે સામાજિક કાર્યકર સોનમ વાંગચુક પણ ઉપવાસ પર બેઠા હતા, પરંતુ તેમની તબિયત લથડતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. દિલ્હીમાં લાંબા સમય સુધી ચાલેલા વિરોધ છતાં હજુ સુધી શિક્ષણમંત્રીનું રાજીનામું લેવામાં ન આવતા તેના જ આક્રોશ સ્વરૂપે આજે અમદાવાદમાં આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદના લો-ગાર્ડન વિસ્તારમાં આવેલી હેપ્પી સ્ટ્રીટ પાસે નીટ પેપર લીક મુદ્દે સોનમ વાંગચુકના સમર્થનમાં અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધ કરી રહેલા લોકો 'ભાજપ હાય હાય' અને 'ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે' તેવા બેનરો અને પાટિયાં સાથે વિરોધ નોંધાવી રહ્યા હતા. પરિસ્થિતિને અંકુશમાં લેવા માટે એસીપી અને ડીસીપી સ્તરના ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો પોલીસ કાફલો સ્થળ પર તૈનાત કરી દેવામાં આવ્યો હતો અને પ્રદર્શનને આગળ વધતું અટકાવવામાં આવ્યું હતું.

અમદાવાદ શહેરમાં યુથ કોંગ્રેસ દ્વારા અગાઉ એક વીડિયો વાઇરલ કરીને શહેરના ચાર જેટલા વિવિધ સ્થળો પર વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ૨૦ જુલાઈની વહેલી સવારે લો-ગાર્ડન પાસે આવેલી હેપ્પી સ્ટ્રીટ ખાતે પ્રદર્શન કરવા માટે પોલીસ પાસે વિધિવત પરવાનગી માંગવામાં આવી હતી, પરંતુ પોલીસ તંત્ર દ્વારા તેની મંજૂરી આપવામાં આવી ન હતી. મંજૂરી ન હોવા છતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થવાની શક્યતાને પગલે પોલીસે હેપ્પી સ્ટ્રીટ પર સવારથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને કોઈને પણ ઊભા રહેવા દીધા ન હતા.

પોલીસની પરવાનગી ન હોવા છતાં કેટલાક ઉત્સાહી યુવાનો ડો. બાબાસાહેબ આંબેડકરનું પુસ્તક અને વિરોધ દર્શાવતા બેનરો સાથે હેપ્પી સ્ટ્રીટ પહોંચી ગયા હતા. તેમણે સ્થળ પર પહોંચીને કેન્દ્રીય શિક્ષણમંત્રી વિરૂદ્ધ જોરદાર નારા લગાવવાનું શરૂ કરતાં જ સ્થળ પર તૈનાત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. પોલીસને પોતાની તરફ આવતી જોઈને પ્રદર્શનકારી યુવાનો ભાગવા લાગ્યા હતા, જેથી પોલીસે તેમની પાછળ દોડી દોડીને શોધખોળ કરી અટકાયત કરી હતી. આ દરમિયાન રસ્તા વચ્ચે બેસીને નારા લગાવતી મહિલા કાર્યકરોની મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા ટીંગાટોળી કરી અટકાયત કરાઈ હતી.

સુરત કલેકટર કચેરી ખાતે યુવાનો દ્વારા હલ્લાબોલ

સુરત કલેકટર કચેરી ખાતે સોનમ વાંગચુકના સમર્થનમાં અને દિલ્હીમાં તેમના પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા લોકોએ હાથમાં સોનમ વાંગચુકની તસવીરો પકડીને અને 'ઇન્કલાબ જિંદાબાદ' ના નારાઓ લગાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનની ખાસ વાત એ હતી કે તેમાં મોટી સંખ્યામાં સ્થાનિક શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા, જેમણે લોકશાહી ઢબે ચાલી રહેલા આંદોલન પર કરાયેલા દમનની આકરી ટીકા કરી હતી. એકત્રિત થયેલા તમામ લોકોએ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગ કરી હતી.


ભાવનગરમાં યુવાનોએ હાથમાં બેનર સાથે વાંગચુકને સમર્થન આપ્યું

નીટ પેપર લીક મામલે ન્યાયની માંગ સાથે સોનમ વાંગચૂક દ્વારા શરૂ કરાયેલા આમરણ ઉપવાસ ભૂખ હડતાલને દેશભરમાંથી વ્યાપક સમર્થન મળી રહ્યું છે. ત્યારે આ રાષ્ટ્રીય આંદોલનના સમર્થનમાં હવે ભાવનગરના યુવા એડવોકેટ અને કોંગ્રેસના કુંભારવાડા વોર્ડના નગરસેવક કિશન મેર તેમજ સમર્થકો શહેરના વ્યસ્ત ગણાતા ઘોઘા ગેઇટ ચોક અને મુખ્ય બજાર વિસ્તારમાં હાથમાં પોસ્ટરો સાથે સોનમ વાંગચૂકના સમર્થનમાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application