આગામી 31 ડિસેમ્બર સંદર્ભે ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી કરોડોની કિંમતનો વિદેશી દારૂ નો જથ્થો ટ્રકોના ટ્રકો ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છ કાઠીયાવાડમાં ઠાલવવામાં આવતો હોય રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા રાજ્યભરમાં દારૂ અંગેની આજથી ડ્રાઇવ શરૂ કરવા કરેલા આદેશના પગલે રાજકોટ શહેર પોલીસ કમિશનર ની સૂચનાથી પીસીબી સહિતની બ્રાન્ચો અને પોલીસ મથકના ડિસ્ટાફ દ્વારા દેશી વિદેશી દારૂના ધંધાર્થીઓ પર દરોડાના દોર શરૂ કરી દેવાયા છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી ઝોન વન હેતલ પટેલ, ડી સી પી ઝોન ટુ રાકેશ દેસાઈ, સહિતના રાજ્યભરના પોલીસ કમિશનર, રેન્જ આઈ જી ડીસીપી,એસપી, સહિતના આઈપીએસ અધિકારીઓ બે દિવસ ગાંધીનગર ખાતે રાજ્ય સરકારની પોલીસ ક્રાઇમ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા છે.
આ ક્રાઇમ કોન્ફરન્સમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તેમજ નાયબ મુખ્યમંત્રી- ગૃહમંત્રી એવા હર્ષ સંઘવી રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સૂચનો તેમજ આગામી દિવસોમાં ક્રાઈમ કંટ્રોલ અંગે શું કરી શકાય તે અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણાઓ કરી હતી.
તે દરમિયાન આગામી 31 ડીસેમ્બરને ધ્યાને રાખી આજથી રાજ્યભરમાં છ દિવસ સુધી દારૂ અંગેની ડ્રાઇવ ચલાવવા કરાયેલા આદેશના પગલે આજ સવારથી રાજ્યભરના શહેર અને જિલ્લા તેમજ તાલુકાઓમાં દેશી વિદેશી દારૂના ધંધાર્થીઓ પર પોલીસ દ્વારા દરોડાનો દોર શરૂ કરાયો છે.
ત્યારે રાજકોટ પોલીસ કમિશનર ની સૂચનાથી તેમના નેજા હેઠળ કાર્યરત પીસીબી બ્રાન્ચના પીઆઇ એમ આર ગોંડલીયા, પીઆઇ એમ જે હૂણ, પીએસઆઇ પી બી ત્રાજિયા, સહિત ની અલગ અલગ ટીમોએ શહેરના અલગ અલગ પોલીસ મથકમાં દેશી અને વિદેશી દારૂ અંગેની ડ્રાઇવ શરૂ કરી દીધી છે.
તો બીજી તરફ શહેરના અલગ અલગ પોલીસ મથકના ડિસ્ટાફ દ્વારા દેશી વિદેશી દારૂના ધંધાર્થીઓ પર દરોડા ના દોર શરૂ કરાતા દારૂના ધંધાર્થીઓમાં રીતસરનો ફફડાટ જોવા મળી રહ્યો છે, આ ડ્રાઈવ આગામી 31 ડિસેમ્બર સુધી પોલીસ દ્વારા સતત ચાલુ રાખવામાં આવનાર છે.