BREAKING NEWS

રાજકોટ એઇમ્સનો વિદ્યાર્થી વિચારવાયુ અને સાથી છાત્રા પ્રત્યે એકતરફી લાગણીના લીધે ચાલ્યો ગયો’તો

  • January 29, 2026 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ એઇમ્સ મેડિકલ કોલેજમાં અંતિમ વર્ષમાં એમબીબીએસમાં અભ્યાસ કરનાર છાત્ર બુધવારે સવારે પોતાના હોસ્ટેલમાંથી ભેદી સંજોગોમાં લાપતા થઇ ગયો હતો. તેણે જતાં પહેલાં વ્યક્તિગત પરેશાનીઓ વિશે 16-17 પાનાની લાંબી નોટ લખી હતી. છાત્ર લાપતા થયાની આ ઘટનાને લઇ ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન આ છાત્ર ગઇકાલે મોડી સાંજે પરાપીપાળિયા ગામ પાસેથી હેમખેમ મળી આવ્યો હતો. છાત્ર કેટલીક બાબતો લઇ સતત વિચારવાયુ અને સાથી છાત્રા પ્રત્યે એકતરફી લાગણીના લીધે તે ચાલ્યો ગયો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.


જામનગર રોડ પર આવેલી એઇમ્સ હોસ્ટેલમાં રહેતો વિદ્યાર્થી રતનકુમાર મેઘવાલ(ઉવ.. 25 રહે. મૂળ જૈસલમેર,રાજસ્થાન) બુધવારે સવારે લગભગ 5 વાગ્યે કોઈને જાણ કર્યા વગર હોસ્ટેલમાંથી નીકળી ગયો હતો. સવારે 8:45 વાગ્યે તેના ક્લાસમેટ્સે કોલેજમાં રતનકુમાર હાજર ન હોય એઇમ્સના અધિકારીઓને જાણ કરી.બાદમાં આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ વી.ડી.રાવલીયા તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી.


હોસ્ટેલ રૂમની તપાસ દરમિયાન પોલીસને 16-17 પાનાની છાત્રએ લખેલી નોટ મળી આવી હતી. તેના મોબાઇલનું છેલ્લું લોકેશન પરાપીપાળીયા દર્શાવતું હતું, ત્યારબાદ ફોન સ્વીચ ઓફ હતો. 12 કલાકની શોધ બાદ વિદ્યાર્થી પરાપીપળીયામાંથી જ હેમખેમ મળી આવ્યો હતો.


પોલીસે જણાવ્યું હતું કે, છાત્રએ લખેલી નોટમાં એક મહિલા વિદ્યાર્થી માટે એકતરફી લાગણી હોવાનો ઉલ્લેખ હતો.પોલીસ સૂત્રો અનુસાર નોટમાં ઉલ્લેખિત યુવતીનો સંપર્ક કર્યો ત્યારે તેણે જણાવ્યું કે રતનકુમારે ક્યારેય પોતાની લાગણીઓ તેની સામે વ્યક્ત નહોતી કરી. બાદમાં પોલીસ છાત્રને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન લઈ ગઈ અને નિવેદન લઇ તેના પરિવારજનોને પણ રાજકોટ બોલાવવામાં આવ્યા છે.


વિદ્યાર્થી અગાઉ લાપતા થયા બાદ વિપશ્યના કેન્દ્રમાંથી મળ્યો હતો

એમબીબીએસના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરનાર અને એઇમ્સની હોસ્ટેલમાં રહેતો તબીબી છાત્ર લાપતા થયા બાદ હેમખેમ મળી આવ્યો હતો. દરમિયાન પોલીસની તપાસમાં એવી વાત પણ સામે આવી હતી કે, આ છાત્ર અગાઉ પણ એકવાર તે હોસ્ટેલમાંથી ગાયબ થયો હતો અને ત્યારબાદ રાજકોટ નજીકના વિપશ્યના કેન્દ્રમાં મળ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application