BREAKING NEWS

રાજકોટ સિવિલ મોતનો મલાજો ન જાળવી શકી, પરિવાર મૃતદેહ લેવા આવ્યો, પણ હોસ્પિટલે અગ્નિસંસ્કાર કરી નાખ્યા'તા

  • September 30, 2026 04:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકારી તંત્રમાં સિસ્ટમ નામની કોઈ વસ્તુ જ ન હોય તેમ રામ ભરોસે ગાડું ચલાવવામાં આવતું હોય છે, એવામાં આરોગ્ય ક્ષેત્રે જાણે દાટ વળી ગયો હોય તેમ કોઈ ધણીધોરી ન હોવાનું છેલ્લા કેટલાક સમયની સરકારી હોસ્પિટલોની સ્થિતિ જોતા લાગી રહ્યું છે. એવામાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોતનો મલાજો સાચવવામાં પણ જવાબદારો નિષ્ફળ નીવડતાં એક ચોંકાવનારા બનાવના પગલે સોશિયલ મીડિયામાં ટીકાપાત્ર બન્યા છે,


સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલો વૃધ્ધનો મૃતદેહ અન્ય પરિવારને સોંપી દીધો હતો, એટલું જ નહીં સિવિલમાં જ 24 કલાક પડ્યા પાથર્યા રહેતા અને બિનવારસી મૃતદેહને અગ્નિસંસ્કાર કરતા રમણીકભાઇએ રામનાથ પરામાં અગ્નિસંસ્કાર પણ કરી નાખ્યા હતા. જ્યારે આજે સવારે મૃતક વૃધ્ધનો પરિવાર કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહ લેવા માટે આવતા મૃતદેહ જોવા ન મળતા તપાસ કરી હતી. દરમિયાન તેમના પિતાના અગ્નિસંસ્કાર કાલે જ કરી દેવામાં આવ્યા હોવાનું જણાવતા શોક ગ્રસ્ત પરિવાર આશ્ચર્ય પામ્યો હતો અને બનાવ અંગે સિવિલ તંત્ર સામે રોષ વ્યક્ત કરી પ્ર.નગર પોલીસે દોડી ગયા હતા અને જવાબદારો સામે પગલાં લેવા જણાવ્યું હતું.


આશ્ચર્ય પમાડનાર બનાવની મળતી વિગત મુજબ ગોંડલના રામપાર્કમાં રહેતા નિવૃત શિક્ષક હરસુખલાલ શાંતિલાલ ઠાકર (ઉ.વ.92)ના વૃધ્ધ આઠેક દિવસ પહેલા ઘરે હતા ત્યારે પડી જતા સારવાર માટે દોશી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ઓપરેશન બાદ વૃધ્ધની તબિયત બગડતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. વૃધ્ધની દીકરી અમરેકા રહેતી હોવાથી મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવા માટે સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે આવેલા કોલ્ડ સ્ટોરેજમાં મુકવામાં આવ્યો હતો.

જે બાદ આજે સવારે વૃધ્ધના પુત્રો સહિતના પરિવારજનો સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે અંતિમ વિધિ માટે પિતાનો મૃતદેહ લેવા માટે આવ્યા હતા ત્યારે જે ખાનામાં મૃતદેહ મુક્યો હતો તેમાં જોવા મળ્યો ન હતો આથી પરિવારે તપાસ કરતા પિતાનો મૃતદેહ મળી આવ્યો ન હતો દરમિયાન સિવિલમાં જ મોટા ભાગે રહેતા અને બિન વારસી મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાનું કામ કરતા રમણીકભાઇ પરમાર ત્યાં પહોંચી પરિવારને જણાવ્યું હતું કે, આ


કોલ્ડ સ્ટોરેજના ખાનામાંથી ગઈકાલે એક બિન વારસી વ્યક્તિનો મૃતદેહ સમજી એ ડિવિઝન પોલીસની હાજરીમાં જ રામનાથ પરા સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરી આવ્યા છીએ, વાત સાંભળતા જ પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને અને અગ્નિ સંસ્કાર કર્યા એ અમારા પિતાનો મૃતદેહ હોવાનું જણાવ્યું હતું. સમગ્ર બનાવને લઈને હોસ્પિટલ તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી હતી. અંતે પરિવારજનો શોકના સમયે પ્ર.નગર પોલીસ મથકે જઈ બનાવ અંગે પોલીસમાં રજુઆત કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.


ગોવિંદભાઈને બદલે હરસુખલાલના મૃતદેહના અગ્નિસંસ્કાર કરી નાખ્યા

આ બેદરકારી ભર્યા બનાવમાં વિગતો જાણવા મળી હતી કે. ગઈકાલે બપોરે એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ એક બિનવારસી મૃતદેહ લઈને આવ્યા હતા તેનું નામ ગોવિંદભાઇ હતું. તેના પરિવારજનો ન મળતા મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યો હતો. દરમિયાન તેમના પરિવારજનો મળી આવતા એ ડિવિઝન પોલીસ અને મુંબઈ સ્થિત પરિવાર સિવિલ હોસ્પિટલે આવ્યો હતો દરમિયાન પીએમ રૂમ ખાતે હાજર સ્ટાફ અને પોલીસ કર્મીઓ દ્વારા ગોવિંદભાઈના બદલે હરસુખલાલનો મૃતદેહ આપી દીધો હતો. અને ત્યાંના રમણીકભાઇ મારફતે પરિવારે રામનાથ પરા સ્મશાને અગ્નિસંસ્કાર પણ કરી નાખ્યા હતા.


વખતો વખત બેદરકારી છતાં કોઈ સિસ્ટમ નહીં

સિવિલ હોસ્પિટલના પીએમ રૂમથી આવું પહેલી વાર નહિ અનેક વખત બન્યું છે, મૃતકના સ્વજનોને અન્યનો મૃતદેહ સોંપી દેવામાં આવતા રસ્તામાંથી પાછું ફરવાની પણ નોબત આવી હોવાના દાખલ પણ નોંધાયેલા છે, કેટલીક વખત પોલીસની બેદરકારીમાં મૃતદેહ બદલાઈ જવાના બનાવો પણ સામે આવ્યા છે. આવા ગંભીર બનાવો છતાં હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ જવબદારી નક્કી કરવામાં આવી નથી કે સિસ્ટમ બનાવાઈ નથી જેના લીધે આજે ફરી એક વખત બેદરકારી સામે આવી છે.

​​​​​​​રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહની અદલાબદલીનો અત્યંત ગંભીર અને દુઃખદ મામલો સામે આવ્યો છે. આ ઘટના અંગે સિવિલ અધિક્ષક ડો. કમલસિંહ ડોડીયાએ નિવેદન આપતા જણાવ્યું છે કે કયા કારણોસર મૃતદેહની અદલાબદલી થઈ છે તેની તપાસ માટે એક ખાસ કમિટીની રચના કરવામાં આવી છે. ભવિષ્યમાં આવા ગંભીર બનાવો ન બને તે માટે એસ.ઓ.પી. (SOP) બનાવવામાં આવશે. આ અસામાન્ય પરિસ્થિતિમાં થયેલી મૃતદેહની અદલાબદલીમાં કોઈ ગુનાહિત બેદરકારી રહી છે કે કેમ, તે દિશામાં પણ સઘન તપાસ હાથ ધરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application