પેયજળ સંબંધિત પ્રગતિ હેઠળના કામો સમયસર પૂર્ણ કરવા રાજકોટ કલેક્ટરે સંબંધિત અધિકારીઓને સૂચના આપી છે. તેમજ ગત રોજ યોજાયેલી બેઠકમાં ૨૪ ગામોમાં અંદાજિત રૂ. ૫૦ લાખના વિવિધ વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી પણ આપવામાં આવી છે.રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે ‘જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ’ની બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરએ જિલ્લામાં પેયજળ સંબંધિત ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યો તેમજ ગ્રામીણ જળ પુરવઠા યોજનાઓની સમીક્ષા કરી હતી. તેમજ ગ્રામ્ય પાણી પુરવઠા યોજના હેઠળ ૨૪ ગામોમાં અંદાજિત રૂ. ૫૦ લાખના વિવિધ વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. આ ઉપરાંત, તેમણે તાલુકાવાર યાંત્રિક અને સિવિલ વિભાગના પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરીને નિર્ધારિત સમય મર્યાદામાં કામો પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. આ બેઠકમાં પંપ ઓપરેટરોને ગુજરાત પાણી પુરવઠા બોર્ડના હેડવર્કસ ખાતે તાલીમ આપવા, પાણી વેરા વસૂલાતમાં ક્ષમતાવર્ધન હાથ ધરવા અને પાણીની ગુણવત્તા ચકાસણીની કામગીરી સુદ્રઢ બનાવવા અંગે ચર્ચા કરાઈ હતી. આ ઉપરાંત, કલેક્ટરએ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ વ્યક્તિગત શૌચાલય, સામૂહિક શૌચાલય, સેગ્રીગેશન શેડ, સામુહિક કમ્પોસ્ટ પીટ, સામુહિક સોકપીટ, ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ ગોબરધન યોજનાના પૂર્ણ થયેલા, હાલ ચાલુ હોય તેવા અને બાકી રહેલા વિકાસ કામોની સમીક્ષા કરી હતી, તેમજ ધોરાજી તાલુકાના મોટી પરબડી અને ભુતવડ ગ્રામ પંચાયત ખાતે સામુહિક શૌચાલયો બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. આ તકે આસિસ્ટન્ટ કલેક્ટર ટીના કલ્યાણ, વાસ્મો યુનિટ મેનેજર ડી. એસ. બારીયા, પાણી પુરવઠા કાર્યપાલક ઈજનેર અંકિત ગોહેલ, જિલ્લા શિક્ષણાધિકારી દીક્ષિત પટેલ, સ્વચ્છ ભારત મિશન જિલ્લા કો-ઓર્ડીનેટર મીનાક્ષીબેન કાચા સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.